પુસ્તક વિમોચન અને મુશાયરાના કાર્યક્રમમાં….

અત્તરની નગરી તરીકે નામના ધરાવનાર પાલનપુર નગર “પાલનપુરી” શબ્દ થી પણ પ્રખ્યાત છે અને આ પાલનપુરી શબ્દે પાલનપુરને વૈશ્વિક લેવલે નવી ઓળખ આપી છે ઉમદા શેરો,શાયરી અને ગઝલ ના રચિયતા  જેવા કે શૂન્ય પાલનપુરી,સૈફ પાલનપુરી,ઓજસ પાલનપુરી,મુસાફિર પાલનપુરીએ પાલનપુરને પોતાની પ્રતિભા થકી નવી ઓળખ આપી છે. ..અને હા તા.૩૧.૦૧.૨૦૧૨  ના રોજ આમાના જ એક ઉમદા શેરો,શાયરી અને ગઝલ ના રચિયતા શ્રી મુસાફિરભાઈ પાલનપુરી રચિત ચુનંદા  શેરો નું  પુસ્તક “ એક તાજુ ગુલાબ” પુસ્તકના વિમોચન પ્રસંગે હાજર રહેવાનુ બન્યુ અને એક અલગ જ અનુભવ પ્રાપ્તિ અને જાણકારી પાલનપુરી વિશે અને પાલનપુરના ઇતિહાસ વિશે જાણવા મળી.

ખીચોખીચ ભરેલ પાલનપુરના કાનુભાઈ મહેતા સભાખંડ માં  અન્ય શેરો શાયરીના રસિક શ્રોતાઓ સાથે તાજા ગુલાબ આપીને કરેલ  સ્વાગત બાદ અમે પણ સભાખંડ માં  ગોઠવાયા અને કાર્યક્રમની શરૂઆત ગણમાન્ય લોકોની હાજરી માં થઈ.  પોઝિટીવ પબ્લિકેશન-ક્લાસિક ડીઝાઈન  ગ્રુપ ધ્વારા પ્રકાશિત મુસાફિરભાઈ પાલનપુરીના આ પુસ્તકનું  વિમોચન સુપ્રસિધ્ધ શાયર ખલીલ ધનતેજસ્વીના હસ્તે બનાસકાંઠા સમાહર્તા શ્રી વોરા સાહેબ,ડી.ડી.ઓ શ્રી ભટ્ટ સાહેબ, પોઝિટીવ પબ્લિકેશનના શ્રી નાગેશ જોષી,પાલનપુરના જાણીતા કવિ અને પ્રો. એ.ટી.સિંધી “મૌલિક”,કિશોર પટેલ,ભાવેશ ભટ્ટ, કૃષ્ણ  દવે,નજીર પાલનપુરી અને પાલનપુરની કલાપ્રેમી શ્રોતાઓની વિશાળ ઉપસ્થિતિ વચ્ચે કરાતા સમગ્ર ભવન તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યુ હતુ. કલેક્ટર તેમજ ડિ.ડિ.ઓ સાહેબે બહુ જ સરસ રીતે આજ ના પ્રસંગ વિશે પ્રારંભિક વક્તવ્ય આપ્યુ હતુ.અને મુસાફિર પાલનપુરી અને પોઝિટીવ પબ્લિકેશન ના શ્રી નાગેશભાઈ જોષીના પ્રયત્નોને બિરદાવ્યા હતા.મુસાફિરભાઈ એ આધુનિક ટેકનોલોજીના ઉપયોગ દ્વારા પોતાના પુસ્તક વિશે પ્રેજંટેશન આપતા અમુક શેરો વિશે ઉપસ્થિત શ્રોતાગણને માહિતી આપી હતી અને ત્યાર બાદ ઇંટરવલ બાદ ખરી શેરો,શાયરી અને ગજલોની રંગત જામતા ઉપસ્થિત સૌ શ્રોતાગણ શાયરોની રજૂઆત પર આફરિન થઈ ગયા હતા.

અમદાવાદના શાયર ભાવેશ ભટ્ટે પોતાની રચનાઓ …

એક મુંગી ચીસ પડઘાતી રહી,રાત આખી રાત ગભરાતી રહી,વેશ બદલી રોજ આવે દુર્દશા,રોજ રંગે હાથ પકડાતી રહી…

અને જે વ્રુક્ષની નીચે ધમધોકાર ચાની કિટલી ચાલતી હતી,એ વ્રુક્ષને રોજ એવો પ્રશ્ન થતો કટિંગ એટલે શુ.?

વાસંલડી.ડોટ.કોમ ના શ્રી ક્રુષ્ણ દવેની રચનાઓ…

‘કોઈ ઉગાડે એમ કદી ઉગવાનુ નહી,આપણે તો આવળને બાવળની જાત,ઉગવાનુ હોય ત્યારે પૂછવાનુ નહી અને માઈક મળે તો કોઈ છોડે વગેરે રચનાઓ સંભળાવી હતી..

ખલીલ ધનતેજસ્વીએ “વાત મારી જેને સમજાતી નથી,એ ગમેતે હોય ગુજરાતી નથી..

ગામ આખામાં હુ વખણાતો રહુ,મારા ફળિયામાં વગોવાતુ રહું…તારુ હસવુ એ તારી આદત હતી,હુ અમસ્તો મનમા મુંઝાતો રહ્યો,અમે અમારી રીત પ્રમાણે રાતોને અજવાળી છે…તમે ઘરે દિવો સળગાવ્યો અમે જાતને બાળી છે…વગેરે રચનાઓ સંભળાવી..

મુસાફીર પાલનપુરીએ મુશાયરાનું સુંદર સંચાલન આગવી ઢબમાં કરતા પ્રખ્યાત શાયરોના શેરો વચ્ચે વચ્ચે રજુ કરી શ્રોતાઓની દાદ મેળવી હતી.

મુસાફિરભાઈ પાલનપુરીએ પોતાની રચાનાની રજુઆત કરતા જણાવ્યુ કે ‘પ્રથમ પ્રથમનો પરિચય ,સહજ સહજ નો લગાવ ,પ્રગાઢ પ્રિત બની જાયને ખબર ન પડે,કદાચ એ જ દશાને કહે છે પ્રેમ ,હદયને કોઈ ગમી જાયને ખબર ન પડે

કાર્યક્રમની શરૂઆત નિર્ધારિત સમય કરતા મોડી થઈ હતી આથી કાર્યક્રમ રાત્રે ૮.૦૦થી લઈને ૧૨ વાગ્યા સુધી ઉપસ્થિત શેરો,શાયરીના રસિક શ્રોતાઓ મંત્રમુગ્ધ થઈને રચનાકારો ની રજુઆતને દાદ આપી રહ્યા હતા,દરમિયાન આમંત્રિત શાયરોએ પાલનપુરના શ્રોતાઓના વખાણ કરતા જણાવ્યુ કે પાલનપુરના લોકો સમજુ અને કલાને કદર કરનારા છે અને તેથી જ તો કોઈ નગરમા ના યોજાતા હોય તેવા કાર્યક્રમો પાલનપુરની ધરતી પર યોજાતા રહે છે.

જીવનમા ખરેખર યાદ રહી જાય તેવા પુસ્તક વિમોચન અને મુશાયરાના કાર્યક્રમની મુલાકાત જીવન નું એક યાદગાર સંભારણુ બની ગયુ.

પુસ્તક વિમોચન કાર્યક્રમનું સંચાલન મુકેશ રાવલ દ્વારા કરવામા આવ્યુ.

અંતે અમે પણ મુસાફિરભાઈ પાલનપુરીના પુસ્તક “એક તાજુ ગુલાબ” ડિસ્કાઉંટ ભાવે ખરીદ કરી એક સફળ કાર્યક્રમની મુલાકાત લઈ કાનુભાઈ મહેતા હોલ થી વિદાય લિધી.

Categories: મુલાકાત | Leave a comment

શ્રમદાન મહાદાન.

વાત આમતો નાની છે પણ નોધ લેવી પડે તેમ છે.વડગામ મા આવેલ લક્ષ્મણપુરા ના પાંચ થી છ યુવાનો ધ્વારા ઉદાહરણરૂપ કાર્ય કરી અન્ય યુવાનોને નવો રાહ ચિન્ધતા કિમતી સમયનો સદઉપયોગ પણ થઈ શકે તે ચરિતાર્થ કરી બતાવ્યુ છે.

વાત એમ બની કે તા.તા.૧૭.૦૭.૨૦૧૧ ના રોજ ગામના યુવાનો ધ્વારા લક્ષ્મણપુરામાં  આવેલ અંબાજી  મંદિર માં  વ્રુક્ષારોપણ  કરવામા આવ્યુ હતુ.ત્યાર બાદ મંદિર સંકુલ માં આવેલ પાણીની ટાંકી માંથી અઠવાડીયા માં બે દિવસ તમામ વ્રુક્ષો ને પાણી આપવાની વ્યવસ્થા કરવામા આવી હતી અને છેલ્લા ઘણા સમયથી આ રીતે પાણી આપવામા આવતુ હતુ પણ પાણીની લાઈનમાં લિકેજ હોવાથી તેમજ રબરની પાઈપથી મુખ્ય જગ્યાએ થી કનેક્શન લેવામા આવ્યુ હતુ આનાથી ઘણુ પાણી ટાંકીની બહાર વહી જતુ હોવાથી કોઈ વ્યક્તી ધ્વારા મુખ્ય કનેંક્શન બંધ કરી દેવામાં આવ્યુ હતુ.

આ વાતની જાણ મને  ૧૦ થી ૧૫ દિવસ બાદ થતા મે કારીગરને બોલાવી વ્યવસ્થિત ટાંકી સુધી  પાઈપ લાઈન નળ સાથે નાખવા બતાવ્યુ ત્યારે કારીગરે વાયદો કર્યો કે ૨ દિવસ પછી હું કરી જઈશ,મે કહ્યુ ભાઈ આજે રવિવાર છે મારે રજા છે અને તુ આ કાર્ય ઝડપી કરી નાખ અને ૧૫ ઝાડવા જે વ્યવ્સ્થિત રીતે ચોંટી ગયા છે તે પણ પાણીના અભાવે સુકાય છે.તે દરમિયાન ત્યા ઉભેલા ગામના યુવાનોએ આ વાત સાંભળી અને મને કહ્યુ નિતિનભાઈ અમે આ કાર્ય કરી નાખીશુ અમને જરૂરી વસ્તુઓ લાવી આપો,મે વિચાર્યુ આ યુવનોને આ કામ ફાવશે કે કેમ અને પુરૂ કરશે કે કેમ,તેમ છંતા વિચાર્યુ લાવો તક મળી છે અને યુવાનો સામેથી કહે છે તો પરીક્ષા કરી લઈએ કે કેવુ કામ કરે છે અને એમ માની મે એમના પર વિશ્વાસ મુક્યો,કામ અઘરૂ હતુ લાંબો અને લગભગ ૩ થી ચાર ૪ ફૂટ ઉંડો ખાડો ખોદવાનો હતો,આ તો ઠીક પણ આજ સુધી સાફ ન થયેલ ટાંકીમાંથી ગંદકી દૂર કરીને તેમા પડેલ રોડા તથા અન્ય કચરાઓ સાફ કરવાનો હતો અને બીજા જ દિવસે ટાંકી પાણી સાથે તૈયાર કરવાની હતી.યુવાનોને જોઈતી સામગ્રી કારીગરીને પૂછીને પુરી પાડી યુવાનોએ જણાવ્યુ નિતિનભાઈ તમે જાઓ,કામ અમે કરી નાખીશુ.

મન મા શંકા હતી કે આ કાર્ય થયુ ત્યારે ખરુ નહીતો સામાન લાવેલો પણ માથે પડશે,પણ મન મા એ વાતનો આનદ હતો કે યુવાનો કઈંક સારૂ કાર્ય કરવા જઈ રહ્યા છે અને યોગ્ય દિશા તરફ વળી રહ્યા છે તો ચાલો આપણે પણ જોઈએ શુ થાય છે?,અને સાચે જ એ કાર્ય યુવાનોએ કરી બતાવ્યુ હુ જ્યારે તેઓ કામ કરતા હતા ત્યારે ગયો તો તેઓ પુરી લગન થી કામ મા મશગુલ હતા અને મે એ દરમિયાન હાથવગા કેમેરાથી અમુક ફોટા  કેમેરા મા કેદ કર્યા અને મનને સંતોષ થયો કે ચાલો યુવાનો મા તાકાત તો છે કે અશક્યને પણ ધારે તો શક્ય કરી શકે,માત્ર જરૂરને તેમનામા વિશ્વાસ મુકવાની જરૂરી માર્ગદર્શનની અને સહયોગની,જો મે ગ્રામપંચાયત મા વાત કરી હોત તો ? યુવાનોને યોગ્ય દિશા આપવામા આવેતો ? યોગ્ય માર્ગદર્શન , દિશા અને પ્રોત્સાહન વગર આ જ યુવાનો તોડફોડ પણ કરી શકે.મને લાગે છે કે યોગ્ય માર્ગદર્શન અને યુવાનોમા વિશ્વાસ થકી વિકાસ તરફી ઘણુ પરિવર્તન આવી શકે. આ યુવાનો નુ શ્રમદાન સમાજ માટે એક મહાન દાન ગણી શકાય.વડીલોએ વિચારવુ રહ્યુ !!!….

Categories: પરિવર્તન | 2 Comments

લગ્ન પ્રસંગ માં કરવામા આવતી આતશબાજી જીવલેણ પણ બની શકે.

જ્યારે અમે નાના હતા ત્યારે યોજાતા લગ્ન પ્રસંગો વખતે થતી આતશબાજી વખતે વડીલો એક ટકોર કરતા કે અલ્યા છોકરાઓ રહેવા દો આ ફટાકડાઓ મત ફોડો અથવા તો સાચવજો લ્યા.ત્યારે અમને એમની આ ચેતવણીરૂપ ટકોર  કાને ન ધરતા અથવા તો અમને ન ગમતુ,એમના અનુભવસિધ્ધ ઉચ્ચારો અમને ગુસ્સો આપતા.

તા.૨૬.૦૧.૨૦૧૧ ના રોજ એક લગ્ન પ્રસંગ નિમિત્તે યોજાયેલ રાસ-ગરબા વખતે રાસ ગરબા રમતા રમૈયાઓની વચ્ચે ફટાકડાની આતશબાજી થઈ રહી હતી અને એકાએક એક ફટાકડાની રેંજ ઉપર જવાની જગ્યાએ ચારે દિશાઓમા ધડાકા સાથે ફેલાઈ,દરમિયાન મારો પુત્ર ચિ.ધવલ જે રાસ-ગરબા રમી રહ્યો હતો તેની આંખની ઉપર આ ફટાકડા ધ્વારા ફેલાયેલ અગનજ્વાળા અથવા તો તેના થકી ફેકાયેલ કોઈ પદાર્થ ધ્વારા લોહીની ધારા છોડી ગઈ,આતશબાજી એ બોમ્બનુ કામ કર્યુ. સંગીત ના ઘોંઘાટ માં  કોઈ ને ઝટ શુ બની ગયુ તેનો ખ્યાલ ના આવ્યો,ઘણા લોકો તો આ દુર્ઘટના થી અજાણ હતા.સદનશીબે મોટી જાનહાની થતા ટળી ગઈ.આંખની ઉપર લાગેલ ઘા જો આંખની અંદર  લાગ્યો હોત તો ધવલને કદાચ આંખ ગુમાવવાનો વારો આવત અને જીવનભર એક આંખે કામ લેવુ પડત,પણ પરમાત્માની કૃપાથી તેની આંખ તો બચી ગઈ પણ મન મા એક વિચાર છોડતી ગઈ કે જ્યારે મોટો સમૂહ ભેગો થયો હોય સુંદર સંગીત વાગતુ હોય સરસ મજાના રાસ-ગરબા રમાત હોય તેવા પ્રસંગે આવી આતશબાજી ટાળવી ના જોઈએ ? જીવના માં  પહેલીવાર સમજાયુ અને નજરે જોયુ કે ફટાકડા પણ બોમ્બનું  કામ કરી શકે છે.જીવનમાં  દરેક તબ્બકે સેફ્ટીનું  પહેલુ વિચારવુ જોઈએ.સેફ્ટી અંગે ઘણા લેખો વાંચતા હોઈએ ત્યારે આપણે ગંભીરતાથી આ બધી બાબતો ધ્યાને લેતા નથી હોતા અને જ્યારે બનાવ બને ત્યારે પસ્તાવાનો વારો આવતો હોય છે.

આપણને ક્વોલીટી પેરામીટરનો પણ ખ્યાલ હોતો નથી જેથી અમુક વસ્તુઓ ની ક્વોલીટી વિશે ચકાસણી કર્યા બાદ જ તેનો ઉપયોગ કરવો જોઈએ.આ ઉપરાંત આપણે એ પણ જાણવુ એટલુ જ જરૂરી છે કે કઈ વસ્તુનો કઈ જગ્યાએ કેવી રીતે ઉપયોગ કરવો ?

આ અનુભવ જીવન માં  એક નવો પદાર્પાઠ શીખવાડી ગયો અને વર્ષો પહેલા વડીલો ધ્વારા કરવામા આવતી ટકોર ને ટેકો આપી ગયો :) )

 

Categories: જાગ્રુતિ | Leave a comment

Blog at WordPress.com. Theme: Adventure Journal by Contexture International.

Follow

Get every new post delivered to your Inbox.