મુલાકાત

બહુચરાજી-શંખેશ્વર-મરતોલી દર્શનાર્થે…….

શ્રી બહુચરાજી મંદિર...બહુચરાજી.

શ્રી બહુચરાજી મંદિર…બહુચરાજી.

Click Here for Photo Album

www.vadgam.com

વૈશાખ સુદ પાંચમ નો શુભ દિવસ અને આ દિવસે મારા મિત્ર  તરફ થી તેમના પુત્ર ની બાબરીના પ્રસંગે ઉપસ્થિત રહેવાનું આમંત્રણ મળ્યુ અને જાણ્યુ કે બાબરી ની વિધી ગુજરાત ના પ્રસિધ્ધ શક્તિપીઠ બહુચરાજી મુકામે રાખી છે અને મિત્ર રમેશ ચૌધરી સાથે ફેમીલી સાથે પ્રવાસના આયોજનનું બહાનું મળી ગયુ અને ધાર્મિક પ્રવાસ નુ આયોજન થયું. તા.૨૬.૦૪.૨૦૧૨ને સવારે  અમે વડગામથી બહુચરાજી જવા નીકળ્યા.

મહેસાણા જિલ્લાનું બહુચરાજી એ ભારતની પ્રાચીન શક્તિપીઠોમાંનું એક છે.એનો ઇતિહાસ જોઈએ તો શક સંવત ૧૭૦૫,વિક્રમ સંવત ૧૮૩૯ વૈશાખ વદ ૧૦ ને રવિવારના રોજ શ્રી બહુચરાજી માતાની ઇચ્છાથી ગાયકવાડ રાજા શ્રી શ્રીમંત દામસિંહના પુત્ર અને શ્રી ફત્તેસિંહરાવના નાના ભાઈ શ્રીંમત માનાજીરાવ ગાયકવાડે એક નવું મંદિર બંધાવ્યું.મંદિરનું કામ આસો સુદ ૧૦ને રવિવારે પૂર્ણ થયું હતુ.શ્રીમંત સરકાર માનાજીરાવ ગાયકવાડ કડી પ્રાંતના સૂબા તરીકે કડીમાં જ રહેતા હતા.ચુંવાળમા એ વખતે ચોર-લૂટારાઓનો ત્રાસ હતો.આથી શ્રીમંત માનાજીરાવ ચોર-લૂટારાઓની શોધમાં પ્રવાસ કરતાં શ્રી બહુચરાજી માતાજીના વરખડીવાળા સ્થાને સંવત ૧૮૩૭ (ઇ.સ.૧૭૮૧)માં આવી પહોંચ્યા.એ વખતે આ સ્થળ અપ્રસિધ્ધ અને ગુપ્ત હતું.અહીં તે વિશ્રામ લેવા રોકાયા.તેમને પાઠાનું દર્દ હતું અને તેની ખૂબ જ પીડા થતી હતી.ઘણી દવાઓ કરવા છતાં આ રોગ મટતો ન હતો.આ બાબતે દેરીના પૂજારી સાથે વાત-વાત માં પૂજારીએ તેમને શ્રી માતાજીની બાધા રાખવાનું જણાવ્યું અને અહીંની ચમત્કારિક તલાવડીની માટી શ્રી માતાજીનું સ્મરણ કરી લગાડવનું કહ્યું.શ્રીમંતે તેમ કરતા તેમનું પાઠાનું અસહ્ય દર્દ ફક્ત આઠ દિવસમાં જડમૂળમાંથી મટી ગયુ.આથી શ્રીમંતને શ્રી માતાજી પર શ્રધા બેઠી અને તેમણે શ્રી બહુચર માની નમ્રભાવથી સ્તુતિ કરીને કહ્યું. “હે માતાજી ! મને જો વડોદરાનું રાજ્ય મળશે તો તમારૂ નવું મોટું મંદિર બંધાવીશ.” આ ઘટના પછી થોડા જ સમયમાં શ્રીમંત માનાજીરાવ ને વડોદરાનું રાજ્ય મળ્યુ,એટલે તેઓશ્રી માતાજીના દર્શને પધાર્યા,અને મોટા દેવસ્થાનની રચના માટે માની આજ્ઞા  માંગી .શ્રી માતાજીની આજ્ઞા  મળતા તેમણે હાલનું મોટું મંદિર બંધાવવા માંડ્યુ.આ મંદિર નિર્માણ સવંત ૧૮૩૯,સન ૧૭૮૩ માં પૂર્ણ થયું.મંદિર સાથે તેમણે ફરતો ચાર બૂરજ અને ત્રણ દરવાજા વાળો કિલ્લો,દીપમાળ,માનસરોવર તથા ધર્મશાળા વગેરે પણ બંધાવ્યા.અહીં એક સ્વાનુભવની વાત કરુ તો ભૂતકાળમાં મને પણ મા બહુચર ના પરચાનો અનુભવ થેયેલો વાત જાણે કે એમ બનેલી કે મારો પુત્ર ધવલ જ્યારે નાનો હતો ત્યારે બોલવામાં એની જીભ અટકતી હતી…વાતા સાંભળેલી કે મા બહુચર ના કુકડાની બાધા રાખવાથી આમાં સારુ થઈ જાય છે..એ વખતે હું આ વાત માનવા તૈયાર ન હતો..ઘણી દવાઓ કરાવેલી પણ કોઈ ફરક ના પડેલો..ત્યારે અંતે હારી થાકીને મા ના કુકડાની બાધા રાખેલી અને મારા આશ્ચર્ય  વચ્ચે ધવલને થોડા જ દિવસોમાં જીભ અટકતી બંધ થઈ ગઈ અને તેને તદ્દન સારું થઈ ગયુ… મા બહુચરના સ્થાનકે હજારો યાત્રાળુઓ દૂરદૂરથી દર્શનાર્થે તથા બાધા-માનતા અર્થે આવે છે,તે મુજબ અમને પણ અસંખ્ય માણસોનો જમાવડો આ સ્થળે જોવા મળ્યો કે જેઓ પોતાની માનતા પુરી કરવા દરરોજ મા બહુચર ના દર્શને આવે છે અને પોતાની માનતા પુરી કરી મા બહુચરના દર્શન કરી ધન્યતા અનુભવે છે.વિશાળ પટાગંણ માં મા બહુચરના નવિન મંદિરનું કામકાજ હજી ચાલી રહ્યુ હતુ.બહુ જ સુંદર રીતે મંદિર શોભી રહ્યુ હતુ. મા અંબાજીની જેમ બહુચરમાનું સ્થાનક પણ મને હમેંશા દેવી શક્તી નો જીવતો જાગતો પુરાવો હોય તેવો અહેસાસ કરાવતુ રહ્યુ છે,અને હોય જ કારણ કે આ તો જાત અનુભવની વાત છે અને અનુભવ્યુ છે…ભારતભરમાં અમુક સ્થળો ખરેખર અલૌકીક છે અને જાગ્રત છે તેનો અહેસાસ મને આ બે સ્થળોના દર્શન કરીને લાગ્યા કર્યુ છે…જે વ્યક્તી ને પુરી શ્રધ્ધા હોય તેને દેવી શક્તિ તેની હર મનોકામના પૂર્ણ કરે છે તેમા શંકાને કોઈ સ્થાન નથી….શ્રી માતાજીમાં શ્રધા ધરાવતા યાત્રિકો સંતાન પ્રાપ્તિ માટે,સંતાનો ના સ્વાસ્થય માટે ,આંખના દર્દ તથા ફુલાં માટે બોબડા અથવા તોતડાપણા માટે બહેરાપણા માટે હાથપગની ખોડખાંપણ માટે માતાજીની બાધા-આખડી રાખે છે.અને મનવાંચ્છિત ફળ પ્રાપ્ત કરે છે. માના દર્શન કરી ધન્યતા અનુભવી અને અમે ફેમીલી સાથે મિત્ર  ધ્વારા આયોજિત બાબરી પ્રસંગે ભોજન લેવા બહુચરાજી મા જ આવેલ ઉમિયા વાડીમાં પહોંચ્યા અને ભાવથી સુંદર ભોજન જેમા લાડુ,કેરી રસ,પુરી,શાક,ગોટા,પાપડ,દાળ-ભાત ઉપસ્થિત મહેમાનો સાથે જમ્યા અમને મિત્રના માતાશ્રી એ પુરા ભાવથી ભોજન જમાડ્યુ અને માતાનો પ્રેમ શુ હોય તેની પ્રતિતી કરાવી.

શંખેશ્વર તિર્થ

શંખેશ્વર તિર્થ

બહુચરાજી થી શંખેશ્વર જવાનો રસ્તો..

બહુચરાજી થી શંખેશ્વર જવાનો રસ્તો..

મિત્રના પુત્રને બાબરી પ્રસંગમા હાજરી પુરાવી અમે બહુચરાજીથી ૧ થી ૨ કિ.મી આવેલ શંખેશ્વર તિર્થ ના દર્શનાર્થે જવા નિકળ્યા..ભોજન ભરપેટ જમ્યા હોવાથી તથા ગરમીનો સમય હોવાથી થોડી અકળામણ થતી હતી પણ શંખેશ્વર જતા રસ્તા માં બન્ને બાજુ હારબંધ રીતે ઉભેલા લિમડાઓના ઝાડ   અનોખી ઠડંક આપી રહ્યા હતા..બહુ જ સુંદર દ્રશ્ય લાગી રહ્યુ હતુ અને ઉનાળાની ઋતુ માં તો ખાસ…મન માં થયું કે દરેક જગ્યાએ આ રીતે વ્રુક્ષો ઉછેરવામાં આવે તો કેટલુ સરસ કામ થઈ શકે….મન માં વિચાર આવ્યો વતન વડગામ માં આવી વ્યવ્સ્થા થાય તો ? કુદરતી ઠંડકમા અમે શંખેશ્વર પહોંચી ગયા…ભવ્ય મંદિર અને વિશાળ જગ્યા જોઈ મન આનંદિત થઈ ઉઠ્યુ.શંખેશ્વર એટલે શંખલપુર બહુચરાજી  “ટોડા માતા” નામે પણ ઓળખાય છે..તેનો ઇતિહાસ જોઈએ તો ગુજરાત ના છેલ્લા રજપૂત રાજા કરણ ઘેલાના રાજ્ય અમલમાં (સવંત ૧૨૯૬ થી સવંત ૧૩૫૨ના સમયમાં) તેની માસીના દીકરા હરપાળ કચ્છ માંથી આવેલા.તે શ્રી શક્તિના ઉપાસક હતા.એક ખાસ પ્રસંગે કરણઘેલાએ ખુશ થઈ જણાવ્યું કે એક રાત્રિમાં જેટલા ગામોને તમે તોરણો બાંધશો તેટલા ગામો તમને ભેટ આપીશ,આ સાંભળી હરપાળે શ્રી જગદંબાની ક્રુપાથી બે હજાર ગામોને તોરણો બાંધ્યા.તેમણે પોતાને મળેલા આ ગામોમાંથી કરણ ઘેલાની રાણીને બહેન ગણી પાંચસો ગામ પસલીમાં ભેટ આપ્યા.આ પાંચસો ગામોમાનું એક ગામ શંખલપુર હતું. આ તોરણોનું અંપભ્રશ  રૂપ તોડા (ટોડા) માતા શંખલપુર નામે પ્રસિધ્ધ થયું…. શંખલપુર ની મુલાકાત માં  સમય અનુકુળ ન હતો બપોરે ૧.૩૦ વાગે ગરમીના લીધે જોઈએ તેવી મજા ન આવી પણ દર્શન કરી અમે પરત મરતોલી જવા નીકળ્યા.

શ્રી ચેહર માતાજી મંદિર - મરતોલી

શ્રી ચેહર માતાજી મંદિર – મરતોલી

મરતોલી ચેહરમાના ધામ તરીકે નામ ઘણા સમયથી સાંભળતો હતો અને ઘણા લોકો વડગામથી બાધા માનતા પુરી કરવા આ સ્થળે જાય છે તેમના મુખે ચેહરા માના પરચા વિશે સાંભળ્યુ હતુ પણ આજે જ્યારે આ સ્થળ ની  મુલાકાતે જઈ રહ્યા હતા ત્યારે વિશેષ આનંદ હતો.

ઓમ શ્રી હીં શ્રેષ્ઠ “ચેહર નમ: કરતાં જાપ અખંડ,

કોટી નમન ચેહર માત કો, શક્તિ સ્વરૂપ પ્રચડ.

જગત જનની મંગલ કરની ચેહર સુખ થાય,

પ્રણવો અંબિકા,સ્વધા,પુરન કામ.

મરતોલી મા આવેલ ચેહર માતાજી શ્રી કેશર માતાજી તરીકે પણ ઓળખાય છે…ધોમધખતા તાપમાં અમે મરતોલી પહોંચ્યા અને મંદિરમાં પ્રવેશ કર્યો ત્યારે અનેરી શાંતિનો અહેસાસ થયો…ચેહર માતાજીના દર્શન કરી મંદિર પટાંગણ મા માતાજી ના ઇતિહાસ વિશે જાણકારી મેળવવા ફરી રહ્યો હતો…ત્યાં મારી નજર ત્યાં ઉપસ્થિત ભુવાજી કાનજીભાઈ મહાદેવભાઈ દેસાઈ ઉપર પડી,મે તેમની પાસે જઈ પૂછ્યુ કે મારે આ મંદિરનો અને માતાજી વિશે નો ઇતિહાસ જોઈએ છે,તો તે અંગે કોઈ પુસ્તક વગેરે મળે ખરું,અથવા અન્ય કોઈ રીતે માહિતી મળે ખરી..મને હંમેશા આવા સ્થળો જ્યાં લોકોની વિશેષ શ્રધ્ધા હોય અને દૂર દૂર થી અનેક લોકો જ્યારે બાધા આખડી પુરી કરવા આવતા હોય…માતાજી તેમની મનોકામના પુરી કરતા હોય તેવા જાણીતા ધાર્મિક સ્થળોની માહિતી જાણવા નો રસ રહે છે….ભૂવાજીએ મને જણાવ્યુ કે એવી કોઈ મહિતી પ્રાપ્ત નથી અને જે કોઈ માહિતી પુસ્તકોમાં અને કેસેટો મા મળે છે એ અધકચરી માહિતી છે ,સાચી માહિતી નથી…ચેહર મા ના મંદિર વિશે કે ચેહરમા ના ઇતિહાસ વિશે આજ દિન સુધી કોઈને કશી ખબર નથી….મને બહુ નિરાશા થઈ કે આટલુ પ્રસિધ્ધ ધામ…આટલા બધા લોકો અતૂટ શ્રધાથી માના દર્શન કરે અને લોકોને ખબર પણ ના હોય કે માનો મહિમા આટલો બધો કેમ છે અથવા તો આ મંદિર પાછળનો ઇતિહાસ શું છે. મે ભૂવાજીને કહ્યું કે આપ આ મંદિર ની જાણકારી વિશે એના ઇતિહાસ વિશે એક પુસ્તક બહાર પડાવો જેથી કરીને લોકોને મંદિરના ઇતિહાસ વિશે , મા ચેહરના પરચા વિશે ખ્યાલ આવે….ભૂવાજીનો જવાબ હતો માતાજી આવું પુસ્તક છપાવવાની પરવાનગી આપતા નથી…મે ભૂવાજીને નમન કરી ત્યાંથી વિદાય લીધી…મન માં થયું દરેક ઐતિહાસિક અને પ્રસિધ્ધ જગ્યાએ જે તે જગ્યા ના ઇતિહાસની જાણકારી દર્શાવતી માહિતી મુકવામાં આવે તો દરેક દર્શનાર્થી ,મુલાકાતી તે જે જગ્યાએ દર્શને આવ્યો છે..મુલાકાતે આવ્યો છે તે સ્થળ વિશે સારી રીતે અવગત થઈ શકે…શ્રી ચેહર માતાજીના આદેશથી અને માતાજીની અસીમકૃપા થી અન્નક્ષેત્રનો શુભારંભ મહાસુદ- ૫ ને શનીવાર તા. ૩૧.૦૧.૨૦૦૯ માતાજીના પ્રાગટ્ય દીપ એવા વસંત પંચમીના શુભ દીને શ્રી કેસર ભવાની અન્નક્ષેત્ર,મરતોલી ગામે શુભ શરૂઆત કરવામાં આવેલ છે.

અંતે અમે સાંજે ૩.૩૦ કલાલે મરતોલી ગામની વિદાય લીધી અને મહેસાણા રહેતા મારા નાના ભાઈ મેહુલભાઈ ના ઘરે ચા-પાણી કરી અમારો બહુચરાજી-શંખેશ્વર-મરતોલી નો પ્રવાસ પૂર્ણ કરી વડગામ પરત ફર્યા.

આ ધાર્મિક પ્રવાસના વધુ ફોટોગ્રાફ્સ જોવા અહીં ક્લીક કરો

Categories: મુલાકાત | ટૅગ્સ: | Leave a comment

સુરતની મુલાકાતે….

આહ ! સુરત, વાહ ! સુરત……. તારી સાથે ગુજારેલી હર એક પળ ખૂબસુરત…….

તા.૨૪-૨૫ ફેબ્રુઆરીની સુરત ની મુલાકાત નક્કી થઈ,જીવન માં  પ્રથમ વખત સુરત જતો હોઈ મન માં  કઈંક રોમાંચ હતો.સુરત વિશે સાંભળેલુ કે સુરત એ હિરાની નગરી છે,સુરતની ઘારી,સુતરફેણી અને સાડી ખૂબ વખણાય છે અને સુરતીની પહેચાન લહેરીલાલા તરીકે જાણીતી છે.તા.૨૪ ફેબ્રુઆરીને સવારના ૬.૩૦ કલાકે સુરતની ધરતી પર પગ મુક્યાને તા.૨૫ ફેબ્રુઆરી ને રાત્રે ૧૦.૪૫ કલાકે સુરત છોડ્યાને જે મુલાકાતો થઈ,જે નવુ જાણવા મળ્યુ અને જે ધાણધારની ધરતીની માનવતાની મહેંક સુરતમાં  અનું ભવી તેનો સંક્ષિપ્ત અહેવાલ  લખવાનો અહી નમ્ર પ્રયાસ કર્યો છે.

સવારે ૬.૩૦ કલાકે સુરત પહોંચી માતૃશ્રી રતનબેન વિરસંગભાઈ ગોકળભાઈ ભટોળ અતિથીગૃહ માં  ઉતરી આરામ કરી રહ્યા હતા અને ત્યા તો સવારે ૭.૦૦ વાગે મોબાઈલ માં  મિત્રનો નબર રણક્યો ..ભાઈ તૈયાર થઈ જાઓ હું આવુ છુ..જીવન માં  પ્રથમ વખત સ્લીપીંગ કોચમાં  મુસાફરી કરી હતી પ્રથમ અનુભવ હોવાથી પુરતી ઉંઘ મળી ન હતી ઉજાગરાની અસર હતી.મિત્ર સવારે ૭.૩૦ કલાકે ઉતારે આવી પહોંચ્યા અને અમે પણ નાહી ધોઈને તૈયાર થઈ ગયા અને અમારી સુરત સફરની શરૂઆત થઈ સુરતના પ્રખ્યાત ગોપાલ ના સુરતી લોચા ના નાસ્તા થી અને ચા થી.સ્વાદિષ્ટ નાસ્તા ની મિઝબાની બાદ અમે મુળ વડગામના અને સુરત સ્થિત જૈન શ્રેષ્ઠી એવા શ્રી પ્રકાશભાઈ ના પુત્રના લગ્ન ના રીશેસ્પશનમાં  વડગામથી અમારા સાથેના મિત્ર શ્રી રઘનાથભાઈ ને આમંત્રણ  હોવાથી અમે પણ સાથે આ પ્રસંગ માં  હાજરી આપવા નીકળ્યા.રસ્તામાં  અમારા સગાવહાલાના પણ મકાન આવતા હોવાથી ચાલો આટલે સુધી આવ્યા છીએ તો તેમને પણ ૧૦ મિનિટ મળતા જઈએ અને અમે શ્રી વાઘજીકાકા-રમીલાફઈ અને માંનસંગફુઆ અને લીલાફઈને મળવા ગયા,તેઓએ પણ અમને ખુબ જ આદર સ્ત્કાર કર્યો અને ચા-નાસ્તો કરાવ્યા ત્યારબાદ અમે સુરતના ગોડદોડ વિસ્તારમાં  આવેલ અગ્રવાલ સમાજ ભવન પહોંચી ગયા. અગ્રવાલ સમાજ ભવન માં  આયોજીત સુંદર લગ્ન પ્રસંગમાં  ઘણુ શીખવાનું  અને જાણવાનું  મળ્યુ.વડગામના વતની હોવાના નાતે અમને પણ ઉમળકાથી વડગામના જૈન પરિવાર તરફ્થી ઉમળકાભેર આવકાર અને પ્રેમ મળ્યો.આ પ્રસંગ માં  ભોજન પહેલા લગ્ન પહેલાની જૈન વિધી અને સંગીત નો કાર્યક્રમ  હતો, આ કાર્યક્રમ માં  વિશેષ બાબત એ ગમી કે જે યુવાનના લગ્ન હતા તેના દરેક પરિવારજનો (નાના ભુલકાઓ થી માંડીને મોટેરાઓ સુધી) એ વારાફરથી સુંદર પોતાના પસંદગી ના ગીત-સંગીત ના તાલે અફલાતુન ડાંસ કર્યા અને  આખો  હોલ સંગીતમય અને આનંદમય બની ગયો.આની પાછળનું  રહસ્ય મને એ લાગ્યુ કે પરિવારજનો એ  આ આનંદના ઉત્સવમાં  સહભાગી થવાનું  અને પ્રસંગને ભરપુર માણવાનો..લગ્ન પહેલા વર-વધુને સાથે સંગીતના તાલે ઝૂમતા જોઈ પ્રસંગની ગરીમાં  દિપી ઉઠી..જ્યુસ અને સ્વીટ સાથે જૈન શ્રેષ્ઠીના પ્રસંગને માણતા આગલા દિવસનો અમારા પ્રવાસનો થાક ક્યારે ઉતરી ગયો તેની ખબર પણ ના પડી.વિવિધ વ્યંજનો સાથે ના સ્વાદિષ્ઠ ભોજન લીધા બાદ છૂટા પડતી વખતે મે પ્રકાશભાઈને મળીને એ જાણવાનો પ્રય્ત્ન કર્યો કે આટલો અદભૂત ડાંસ પરિવારના દરેક સભ્યો કેવી રીતે કરી શક્યા તો તેઓ એ જણાવ્યુ કે અમે આની આગોતરી તૈયારી અને ટ્રેનીંગ લીધી છે. દરેક પરિવારજનો ના આનંદ  અને ઉત્સાહ  વગર લગ્ન પ્રસંગ ની યોગ્ય ઉજવણી ના ગણાય.જૈન શ્રેષ્ઠીના પરિવારજનો માં  આવો ઉસ્તાહ ને આનંદ  જોવા મળતો હતો.જૈન શ્રેષ્ઠી તરફ થી બીજા દિવસે વરઘોડામાં  અને લગ્ન વખતે હાજર રહેવાનું  ઉસ્માભર આમંત્રણ મળ્યુ પણ સમયના અભાવે એ શક્ય નહોતુ,પણ વતન ના વ્યક્તી પ્રત્યેનો લગાવ ત્યા અમને સતત અહેસાસ કરાવતો રહ્યો અને ધાણધારની ધરતી ની મહેક પ્રસરાવતો રહ્યો તેની અનુભુતિ અમને અમારી આ પ્રસંગ માં  ત્રણ કલાકની હાજરીથી ચોક્કસ થઈ.

Sargam Bhavan

Sargam Bhavan

સુરત સ્થિત વડગામ તાલુકાના કોદરામના મનોજભાઈ પ્રજાપતિ નો સતત આગ્રહ હતો કે નિતિનભાઈ સુરત આવો,છેલ્લા ૬ મહિનાથી અમે સુરતની મુલાકાત માટે ચર્ચા કરી રહ્યા હતા અને આખરે તેમની મુલાકાતે પહોંચી ગયા.સુરતમાં  સરગમ બિલ્ડરસ ના નામે ચાલતા બિલ્ડર્સના ધંધા  સાથે તેઓ સંકળાયેલા છે.સુરત માં  આવો ત્યારે મારે ઘેર જ રહેવાનું  છે અને જમવાનું  છે તેવો તેમનો ખાસ આગ્રહ હતો કારણ કે આની પાછળ તો આખરે તો વતન ના વ્યક્તી પ્રત્યેનો પ્રેમ હતો અને લાગણી હતી.મનોજભાઈનો જન્મ આમ તો સુરત માં જ થયેલો પિતા શ્રી લવજીભાઈ પ્રજાપતિ વર્ષો અગાઉ સુરત ખાતે કન્સ્ટ્રકશન ના ધંધા ની શરૂઆત પાંચ ભાગીદારો સાથે કરેલી જે “સરગમ બિલ્ડર્સના” નામે સુરત માં  તેમના કાર્યો થકી વિશેષ નામના ધરાવે છે અને અનેક ભવ્ય ઇમારતો નું  નિર્માણ સરગમે કર્યા છે.આમાં  વાંચકને થશે કે એમાં  શું  નવુ લખ્યુ ? ઘણા લોકો આવા ધંધા  સાથે સંકળાયેલા છે.મને આ લેખમાં  સરગમ નો અને મનોજભાઈનો ઉલ્લેખ કરવા પાછળ થોડુક કારણ જણાયુ. અઢળક સંપત્તિના માલિક હોવા છતા સંપત્તિનું  જરાયેય અભિમાન નહિ.સુરત માં  જન્મ થયો હોવા છંતા વતન પ્રત્યેનો પ્રેમ અને લાગણી અકબંધ.જરૂરિયાતોને મદદરૂપ થવાની ભાવના,સમાજ ઉપયોગી કાર્યો,ઇશ્વર પર અડગ આસ્થા અને વડગામ મહાલના વ્યક્તિ શ્રી લવજીભાઈ અને ત્યારબાદ તેમના પુત્ર શ્રી મનોજભાઈ ની સુરતમાં  નોંધપાત્ર  વિકાસયાત્રા ..આખરે તો પિતાની ખાનદાની તેમનામાં  રજે રજ જણાઈ આવે તેવા માનવીને શોભે તેવો નમ્ર વ્યહવાર અને સમજ.

Sargam Office

Sargam Office

મારા મિત્ર રઘનાથભાઈ મને ઘણીવાર કહેતા કે ઘણા પાસે પૈસો છે પણ દિલ નથી અને દિલ છે પણ પૈસો નથી પણ જેની પાસે પૈસો  અને દિલ બન્ને છે  તેવી વ્યક્તીઓ સમાજ માં  ઘણી ઓછી જોવા મળે છે.મનોજભાઈને મળ્યા બાદ રઘનાથભાઈ એ હળવે થી મને કહ્યુ કે આ મનોજભાઈ પાસે બન્ને છે અને તેથી તેઓ વિશેષ છે.

Chhanyado Organisation

Chhanyado Organisation

અને હા આ સરગમ બિલ્ડર્સ સુરત માં  ચાલતા સુરત માનવ સેવા સમાજ સંઘ અને તેને સંલગ્ન ચાલતી છાયંડો સંસ્થા સાથે સંકળાયેલા છે અને અઢળક દાન તેમના તરફ્થી આ સંસ્થાને મળતુ રહે છે. વડગામ તાલુકાના કોદરામ ગામના વતની અને મનોજભાઈના પિતા શ્રી લવજીભાઈ પ્રજાપતિ અને મનોજભાઈએ પોતાની પેઢી ઉપરાંત વ્યક્તિગત રીતે પણ અનેક દાનની સરવાણી વહાવી છે.આવા મનોજભાઈ એ અમારુ તેમના સરગમ ભવનમાં  ઉસ્માસભર સ્વાગત કર્યુ, ઘણી વખત કહેવાય છે કે લાગણીઓનું  વર્ણન  ન થઈ શકે તે તો અનુભવવાની વસ્તુ છે અને આ વતનના વ્યક્તિ પ્રત્યેના લાગણીના અનુભવો અમને સતત મનોજભાઈ સાથે રહ્યા ત્યા સુધી થતા રહ્યા.

Dumas

Dumas

ચા-પાણી કર્યા બાદ તેઓ પોતાની સ્ક્વોડા ગાડીમાં  ડુમ્મસ ફરવા લઈ ગયા તે દરમિયાન સતત સુરત વિશે ની તેમજ તેમના સરગમ ગ્રુપ ધ્વારા ચાલતી સાઈટોની માહિતી અવિરત તેમના તરફ થી મળતી રહી,દરમિયાન ડુમ્મસ થી પરત ફરતા તેમના ગ્રુપ ધ્વારા ચાલતુ એક બિલ્ડીંગ કંસ્ટ્રક્શન જોવા તેઓ  લઈ ગયા.વિશાળકાય બાંધકામ  જોઈ અમે તો છક થઈ ગયા,આમાં  અમને એક વિશેષ ટેકનોલોજી વિશે જોવાનું  અને જાણવાનું  મળ્યુ.આ ટેલનોલોજીનું  નામ RMC Machine Technology,જેમાં  આ મશીન સોફ્ટવેર પ્રોગ્રામ થકી એકસરખા પ્રમાણ માં  પાણી,કાંકરી અને સિમેંટ નો માલ બનાવી ૯ માં  માળ સુધી પાઈપ લાઈન ધ્વારા આ મટેરીયલ પહોંચાડી આપે.આમાં  વિશેષતા એ હતી કે એક સરખા પ્રમાણ માં  જરૂરી માલ જાય અને એક સરખા પ્રમાણ માં  બિમ ભરાય અને ઓછા મજુરે કામ સરળતાથી ચાલ્યા કરે.જો આવા વિશાળ બિલડીંગમાં  ટેકનોલોજીના ઉપયોગ વગર માત્ર મજુરોથી કામ કરવાનું  હોય તો દિવસો નીકળી જાય,જે ટેકનોલોજીના માધ્યમ થકી ઓછા સમય માં  થઈ શકે,ખેર અમારા માટે તો આવા સાધન અને ટેકનોલોજી વિશે જાણકારી મેળવવા સિવાય બીજુ કોઈ મહત્વ ન હતુ પણ વિજ્ઞાન  અને ટેકનોલોજીનો વિકાસ કેવા કામો કરી શકે તે ઉદાહરણરૂપ કાર્ય જોવા મળ્યુ અને બાંધકામ  ક્ષેત્રે આ નવિન ટેકનોલોજી જોઈ વિશેષ આનંદ  થયો.ત્યારબાદ મનોજભાઈ અમને સુરત માં પ્રખ્યાત અંબાજી માતાના દર્શનાર્થે લઈ ગયા અમે તાપી નદીના કિનારે આવેલ મંદિર માં અંબાજી માતા ના દર્શન કરી ધન્યતા અનુભવી.

surat manav Seva Sangh

surat manav Seva Sangh

ત્યારબાદ સુરત માનવ સેવા સંઘ અને તેની સંલગ્ન સુરત સિવિલ પ્રાંગણ માં  ચાલતી છાયંડો સંસ્થાની મુલાકાતે મનોજભાઈ અમને લઈ ગયા અને જે માહિતી અમને મળી તે  જાણી ખરેખર આવી સંસ્થાઓને અને આવી સંસ્થાઓને દાન આપનાર દાતાશ્રીઓને સલામ કરવાનું  મન થઈ જાય એટલુ અદભુત માનવસેવાનું  કાર્ય આ સંસ્થા કરી રહી છે.સમાજ માં  થતા બિનજરૂરી ખર્ચા બંધ  કરી લોકભાગીદારીથી આવા કાર્યો થાય તો માનવ સમાજની અને જરૂરિયામંદ  ની કેટલી સેવા થઈ શકે તે જાણવા મળ્યુ. સંસ્થા ધ્વારા વિવિધ મેડિકલ સેવાઓ જરૂરિયાત વાળા દર્દીઓને નજીવા દરે અથવા તો વિનામૂલ્યે ઉપલ્બ્ધ કરાવી સહાયરૂપ થઈ રહી છે. વડગામ તાલુકાના કોદરામના વતની અને મનોજ્ભાઈના પિતાશ્રીએ સંસ્થાના પ્રાંગણ માં  ચાલતી દર્દીઓના સગાઓ માટેની સંસ્થામાં  રૂ.૧૧,૦૦,૦૦૦ જેટલુ માતબર દાન આપ્યુ છે,જેના થકી દર્દીઓના સગાઓને માત્ર ૩ રૂ.ના ટોકન દરે ભોજન ની સુંદર  સુવિધા પુરી પાડવામાં  આવે છે.

Surat manav Seva Sangh

Surat manav Seva Sangh

સુરત માનવસેવા સંઘની સુંદર  પ્રવ્રુતિઓને જોઈ મન પુલકીત થઈ ઉઠ્યુ..વાહ દિશા બદલાય તો ગામડા લેવલે પણ કેટ કેટલા સમાજ ઉપયોગી કાર્યો થઈ શકે તેનો અંદાજ  આવ્યા વગર ના રહ્યો.

મનોજભાઈનો આગ્રહ હતો કે રાત્રી ભોજન મારા ઘરે લેવાનું  છે અને રાત્રી રોકાણની પણ વ્યવ્સ્થા પણ મારા ઘરે છે અને મારા ઘરે રોકાઈ જાવ..અમે રાત્રી ભોજન મનોજભાઈના ઘરે મનોજભાઈ સાથે લેવાનું  સ્વીકાર્યુ..જ્યારે અમે મનોજભાઈના આલિશાન બંગલે પહોચ્યા ત્યાતો એ જ સત્કાર અને ભાવના મનોજભાઈ ના પત્નિ ની જોવા મળી,અમારા માટે અનેક સ્વાદિષ્ટ વાનગીઓએ બહેને એકલે હાથે અને જાતે તૈયાર કરી અમને ભાવ થી જમાડ્યા…ફરીથી ધાણધાર પંથક ની માનવતા ની મહેંક લઈ અમે વિદાય લેવાની તૈયારી કરી ત્યા તો મનોજભાઈ એ જણાવ્યુ કે હું  તમને ગાડીમાં  તમારા ઉતારાના સ્થળે ઉતારી જઈશ.અમે કહ્યુ કે અમે રીક્ષા માં  જતા રહીશુ તમારે તકલીફ લેવાની જરૂર નથી.માને તો મનોજભાઈ શાના ? ઉપરથી અમને કહ્યુ સવારે તમારે કોઈ જગ્યાએ જવુ હોય તો કહેજો મારો ડ્રાઈવર ગાડી લઈને તમને લઈને મુકી જશે…:)) અમને મુકવા માટે મનોજભાઈ પોતાની ગાડી લઈને આવી રહ્યા હતા ત્યા તો વચમાં  વડગામ ના એક જૈન શ્રેષ્ઠીનું  ઘર રસ્તામાં  જ હતુ,તેઓ શ્રી અમને અગ્રવાલ સમાજ ભવન માં  મળ્યા હતા અને તેમનો ખુબ આગ્રહ હતો કે મારા ઘરે તમારે સાંજે આવવાનું  છે..નામ તેમનું  શશીકાંતભાઈ…ઘરે એટલો જ આવકાર પતિ-પત્નિ નો મળ્યો..જમીને આવ્યા હોવા છંતા સુકો મેવો અને આઈસ્કીમ ની  મહેમાનગતી આગ્રહસભર કરાવી..થોડીક વાર બેસી અમે ધાણધાર પંથકની માનવતાની મહેક માંણતા શશીકાંતભાઈની વિદાય લિધી અને દરમિયાન મારા બચપણ માં  સાથે રમેલા મિત્ર વિજય રાવલનો ફોન અમારા સાથે આવેલ કમલેશભાઈ ઉપર આવ્યો,જો કે મે એમને સમયના અભાવે  તેમને અમારી સુરત મુલાકાત વિશે કશુ જણાવ્યુ ન હતુ અને ખબર હતી કે વિજયભાઈ જાણશે કે અમે સુરત માં  છીએ તો અમને છોડશે નહિ..અમારી બન્ને દિવસને મુલાકાત એમની સાથે જ પુરી કરવી પડશે..:)) વિજયભાઈને ખબર પડતા ફોન માં  જણાવી દીધુ હું  તમે છો ત્યા આવુ છુ ત્યા જ ઉભા રહેજો…અને વિજયભાઈ એ તો આવીને તેમના સ્વભાવ મુજબ ઠપકો આપવાનું  ચાલુ કરી દીધુ…રાત્રે લગભગ ૧૦ વાગી ચુક્યા હતા અને  અમે થાકી ને લોથપોથ થઈ ગયા હતા.છતા આ તો વિજયભાઈ છોડે તો વિજયભાઈ શાના ? અમને આદેશ થઈ ગયો ગાડીમાં  બેસો અમે કહ્યુ ચાલો તમે અમને ઉતારે ઉતારી જાઓ અને મનોજભાઈને રજા આપીયે.અમે ત્યાંથી મનોજભાઈને વિદાય આપી અને વિજયભાઈ સાથે વાતે વળગ્યા..વિજયભાઈએ કહી દીધુ આપણે ત્યા રાત્રી રોકાણ કરવાનું  છે,શરમ આવતી હોય તો સારી હોટલમાં  બુકીંગ કરી આપુ..તેમનામા અમારા આવા વ્યહવારનો અસંતોષ સ્પષ્ટ દેખાઈ આવતો હતો…એમની લાગણી હતી કે મારા મિત્રો સુરત માં  અગવડમાં  કેમ રહે..હા ના કરીને અમે કહ્યુ ચાલો વિજયભાઈ તમારા ઘરની ચા પી લઈએ બસ..મહામહેનતે વિજયભાઈને સમજાવી તેમના ઘરે આઈસક્રીમ ખાવા તો જવુ જ પડ્યુ.રાત્રે લગભગ ૧૦.૩૫ વાગે પોતાની સ્વીફ્ટ ગાડીમાં  આખા રસ્તે અમને  ઠપકો આપતા આપતા ઉતારે મુકવા આવ્યા અને કહ્યુ સવારે તમારે જ્યા જવુ હોય ત્યા મારી ગાડી લઈ જાઓ અને સાથે ડ્રાઈવર પણ મોકલુ. એમની ઈચ્છા હતી કે મારા ગામના મિત્રોને કોઈ જ તકલીફ સુરતમાં  ના પડવી જોઈએ…વતનની મહેક સવારે ૭.૩૦ થી શરૂ કરીને રાત્રે લગભગ ૧૧ વાગ્યા સુધી સુરત માં  સતત માંણતા માંણતા અને સુરતના લોકોની મહેમાનગતી આતિથ્યભાવનાથી લાગણીસભર અમે નિદ્રાદેવીની શરણે ગયા.

Surat

Surat

સુરત માં  દરેક જગ્યાએ સુંદર  અને સ્વચ્છ રોડ બની ગયા છે..ખરેખર મને તો વડોદરાની યાદ આવી ગઈ તેટલી ચાહવા લાયક નગરી એક સમયની બદસુરત ગણાતી નગરી સુરત ની સુરત બદલાઈ ગઈ છે.પુર,અને પ્લેગ જેવી તકલીફોનો સામનો કરી આ નગરી કઈંક બોધપાઠ લઈને સતત વિકાસ કરી રહી છે તેમાં  શંકાને કોઈ સ્થાન નથી…પ્રજા અને શાસન નું  મનોબળ મક્કમ હોય તો અશક્ય વસ્તુ શક્ય બની શકે તેમાં  શંકાને કોઈ સ્થાન નથી…:)).રાત્રે જ્યારે અમે અમુક જગ્યાએ ફ્લેટો માંથી સુરતની રોશની નિહાળી ત્યારે એક સમયે એવુ લાગ્યા વગર ન રહ્યુ કે સુરત માં  છીએ કે કોઈ વિદેશમાં  ?આ જ રીતે ઘણી વખત રોદ્રરૂપ ધારણ કરતી તાપી નદી સુંદર  લાગી રહી હતી અને શાંત જણાતી હતી.મનમાં  વિચાર આવ્યો આ નદી ધારે તો કેટલો વિનાશ વેરી શકે છે.આખરે તો કુદરતી વિનાશ એ માનવીય ભુલોનું  જ પરિણામ છે.સુરત માં  હાલ વિકાસના નામે ક્રોકીંટના જંગલો ઉભા થઈ રહ્યા છે ,છેક ડુમસ સુધી મકાનોનું  કામકાજ ચાલુ થઈ ગયુ છે,વિકાસ માટે આ બધુ જ કરવુ પડતુ હોય છે અને વસ્તી વધે તેમ જરૂરી પણ બનતુ હોય છે,પણ સાથે કુદરત સાથે એટલો જ તાલમેલ જરૂરી છે.સુરતે પોતાના અનુભવો માંથી ઘણુ શીખી લીધુ હોય તેમ જણાયા વગર રહેતુ નથી..સ્થાનિક પ્રજા કરતા માઈગ્રંટ પ્રજાનો દર સતત વધતો રહે છે.લોકો મોજીલા અને જીવંત લાગ્યા.:)) અને હા ટ્રાફીકની સમસ્યા તો દરેક જગ્યાની જેમ અહી પણ જોવા મળી.

Meeting with Kudsad Leader's

Meeting with Kudsad Leader's

તા.૨૫.૦૨.૨૦૧૨ ને સવારે ૭.૦૦ વાગે સુરત સ્થિત મારા મિત્ર શ્રી નવનિતભાઈ પટેલ સાથે તેમના ગામ કુડસદ ગામની મુલાકાત નો કાર્યક્રમ નિર્ધારિત હતો અને તે મુજબ ભાઈ શ્રી નવનિતભાઈએ આગલી રાત્રે ફોન કરીને વહેલા તૈયાર થવા જણાવી દીધુ હતુ. કુડસદ ગામની મુલાકાત નો મુખ્ય ઉદ્દેશ નહેરો ના પાણીના યોગ્ય સંચાલન માટે ચાલતી પીયત મંડળીઓ વિશે જાણવાનો,શેરડીની ખેતી જોવાનો તેમજ ગ્રામજનો ચાલતા સમગ્ર ગામ માટેના RO Water Plant વિશે જાણકારી મેળવવાનો હતો.

RO Water Plant in Kudsad

RO Water Plant in Kudsad

સતત મુલાકાતો થી શરીર થાકી તો ગયુ હતુ પણ અમારી પાસે સમય પણ ઓછો હતો એટલે ૨૫ મી ફેબ્રુઆરીએ સવારે ૭.૩૦ વાગે અમે તૈયાર થઈ ગયા અને સમયાનુસાર શ્રી નવનીતભાઈ અમને પોતાની મારૂતિ ગાડીમાં  અમને લેવા આવી પહોંચ્યા,પ્રથમ અમને તેઓ તેમના સુરત ખાતેના ઘરે લઈ ગયા ત્યા સેવ-ખમણી અને જલેબીનો નાસ્તો કરી અમે કુડસદ તરફ પ્રયાણ કર્યુ.આશરે સુરત થી ૨૬ કી.મી દૂર આવેલ કુડસદ ગામ નવનિતભાઈ નું  વતન છે,રસ્તા માં  નવનિતભાઈ અમને સુરત વિશે તેમજ કુડસદ ગામ વિશે પ્રારંભિક માહિતી આપતા રહેતા હતા તથા આજુબાજુના સ્થળો વિશે તથા ખેતી ની જમીનોના થઈ રહેલ વ્યાપારીકરણ તેમજ ખેતીની જમીન માં  ઇંડસ્ટ્રીયલ ઇમારતો ના થઈ રહેલા વધારા સામે ચિંતા વ્યકત કરી રહ્યા હતા,તેમની વાત સાચી છે,પૈસાના લોભ માં  ખેડૂત પોતાની જમીન વેચવા માંડ્યો છે,જો કે આ હકિકત દરેક જગ્યાએ બની રહી છે,એ સુરત હોય ,અમદાવાદ હોય,પાલનપુર હોય કે પછી વડગામ હોય દરેક જગ્યાએ આ સ્થિતિનું  નિર્માણ થઈ રહ્યુ છે.

Piyat Mandali Kudsad

Piyat Mandali Kudsad

ખેડુત જમીન વેચી તો શકશે પણ જમીન ખરીદી નહિ શકે,અને લોકો ધિરે ધિરે બચેલ કુદરતી વાતાવરણને પણ જાણે છોડતા જાય છે.નવનિતભાઈએ જણાવ્યુ કે  ખેડુત જમીન વેચીને પૈસા બનાવે તેના કરતા કઇંક ઇનોવેશન કરે,કઇંક નવુ કરે અને જે છે તેમાં  વધારો કરે તો સાચી પ્રગતી થઈ ગણાય નહિ તો બધી ભ્રામક પ્રગતી છે,આમ નવનિતભાઈ સાથેની વાતો માં  ક્યારે કુડસદ ગામ માં  પ્રવેશ કરી લીધો તેનો અમને ખ્યાલ પણ ના આવ્યો.કુડસદ આમતો અન્ય ગામો જેવુ સામાન્ય ગામ જ જણાયુ,પણ જ્યારે અમે ત્રણ થી ચાર કલાક ગામની મુલાકાત લીધી ત્યારે અમને ઘણુ શીખવાનું ,નવુ જાણવાનું  અને અનુભવવાનું  મળ્યુ.પ્રથમ અમે ગામ ના ગોદરે બેઠેલ ગામના આગેવાનો પાસે જઈ પહોંચ્યા જ્યા અમને નવનિતભાઈએ દરેકની ઓળખાણ કરાવી તેમજ અમારી કુડસદ ગામની મુલાકાત વિશે પ્રયોજન સમજાવ્યુ.પ્રથમ અમે ગામ ધ્વારા સંચાલિત પીવાના પાણીનો RO પ્લાનટ જોવા ગયા.દ્રષ્ટિ હોય તો લોકઉપયોગી કેવા કાર્યો થઈ શકે તે આ RO પ્લાનટ જોઈને સમજાયુ.ગામના એક મુખ્ય દાતા ધ્વારા દાન આપીને માત્ર ૨.૫ લાખના ખર્ચે આ RO પ્લાનટની સગવડ ગામના દરેક વ્યક્તિ માટે ઉભી કરવામાં  આવે છે,જ્યાંથી દરરોજ કેરબા ધ્વારા ગામના દરેક વ્યક્તિના ઘર સુધી શુધ્ધ પાણી માત્ર .૪૦ પૈસા લિટરના ભાવે પહોચાડવામાં  આવે છે,એટલુ જ નહિ રોજ બરોજ ની આ વ્યવ્સ્થા માટે એક વ્યક્તિની કાયમી ધોરણે નિમણૂક કરવામાં  આવેલ છે,જે વહિવટી હિસાબો અને અન્ય વ્યવસ્થાનું  સુપેરે સંચાલન કરે છે.પ્લાંટની સ્વછતાનું  પણ એટલુ જ ધ્યાન રાખવામાં  આવે છે.લોકોને દૈનિક પીવા લાયક શુધ્ધ પાણી તો સસ્તા ભાવે મળે છે સાથે સાથે ગામના એક વ્યક્તીને રોજગારી પણ ઉપલબ્ધ થાય છે,કેવુ સરસ આયોજન.બધા જ ગામોમાં  અન્ય જગ્યા એ ખર્ચ કરવામાં  આવતા નાણા આવી વ્યવ્સ્થા ઉભી કરવામાં  વાપરવામાં  આવે તો ?  ત્યારબાદ ગામ માં  અમને અનેક જગ્યાએ નહેરો જોવા મળી તેથી નવનિતભાઈ અમને આ નહેરોના પાણીની વયવ્સ્થા માટે સહકારી ધોરણે સ્થાપિત પિયત મંડળી જોવા લઈ ગયા.ત્યા ઉપસ્થિત ગામના સરપંચ અને દૂધ મંડળીના ચેરમેન શ્રી સન્મુખભાઈ પટેલ,બેંકના પૂર્વ મેનેજર અને સેવા મંડળીના ચેરમેન શ્રી બેચરકાકા,દૂધ મંડળીના મેનેજર શ્રી રાજુભાઈ તથા પિયત મંડળીના વા.ચેરમેને અમને મજાની લસ્સી પાઈને સ્વાગત કર્યુ અને પિયત મંડળી અને તેની કામગીરી  વિશે અમને વિશેષ માહિતી પુરી પાડી.તેઓશ્રી એ જણાવ્યુ કે હાલ માં  કુડસડ ગામ માં  ૧૪૦૦ હેક્ટર જમીન ની નહેરોના પાણી થકી સિંચાઈ  થાય છે.

Sugar Farm and Canal Near Kudsad

Sugar Farm and Canal Near Kudsad

અને ખેડૂતને હેકટર દિઠ વાર્ષિક રૂ.૧૪૦૦ પાણીનો ચાર્જ ભરવો પડે છે.મે પ્રશ્ન કર્યો કે પિયત મંડળી શુ છે? અને તેની રચના કેમ કરવામાં  આવી ? અને તેના ફાયદા શુ ? ઉપસ્થિત આગેવાનોએ મારા પ્રશ્ન નો જવાબ આપતા સમજાવ્યુ  કે સરકાર નહેરો બનાવે પણ લોકો પિયત સર્વેક્ષણ ફોર્મમાં  ભરવાની વિગતો પુરી ના ભરે,યોગ્ય વસુલાત થતી નહોતી તથા એકવાર સરકાર નહેર બનાવે પછી એનું  કોઈ મેન્ટેનંશ થતુ નહોતુ.ગામ માં  ખેતી કરતા ૧૦૦% ખેડૂતો નહેર સિંચાઈનો લાભ લે છે,કોઈ જગ્યાએ કુવાઓ નથી.પછી સરકારે અને ગામ લોકો એ વિચાર્યુ કે ગામ માં  સહકારી ધોરણે પિયત મંડળીની સ્થાપના કરવામાં  આવે તો ઘણી સમસ્યાનું  સમાધાન શક્ય બને.

Main canal-Kudsad

Main canal-Kudsad

ત્યાર બાદ ગામ માંથી અમુક લોકોની કમિટી બનાવવામાં  આવી,આ કમિટી માંથી બે સભ્યો તેમજ સરકારના બે સભ્યો યોગ્ય રીતે ખેડૂતોના પિયત સર્વેક્ષણ ફોર્મ ભરે,પાણીના ચાર્જ ની સમયસર યોગ્ય વસુલાત કરે જેથી નહેરોના પાણીનો યોગ્ય ઉપયોગ થઈ શકે,આ ઉપરાંત થતી આવકના ૫૦% સરકાર લે તથા ૫૦% પિયત મંડળી ખાતે જમાં  થાય,આમ મંડળીને જે ૫૦% આવક થાય તેમાંથી ૩૦% નહેરોની મરામત પાછળ ખર્ચાય ,૨૦% વહીવટી ખર્ચા માટે,જેમાંથી જે ખેડૂત સમયસર થતો પાણીનો ચાર્જ ચુકવે તેને રીબેટ પણ મળે.ઘણી વખત ખેડૂતે પાણીના ભરવાના થતા નાણા ના બિલ મંડળી ધ્વારા સુગર ફેક્ટરી ને મોકલી આપવામાં  આવે અને જ્યારે ખેડૂત પોતાની શેરડી આવી સુગર ફેક્ટરી માં  મોકલે ત્યારે તેને થતી આવક માંથી આ પાણીનો ચાર્જ કાપી વધેલ રકમ ખેડૂતોને આપવામાં  આવે અને સુગર ફેક્ટરી કપાત કરેલ પાણીની રકમ પીયત મંડળીને પહોચાડી આપે.

Sugar Farm Kudsad

Sugar Farm Kudsad

આમ જ્યારે પીયત મંડળીની સ્થાપના થઈ નહતી ત્યારે ૧૦૦% રકમ સરકાર લઈ જતી હતી અને અન્ય લાભો ગામ લોકોને મળતા નહોતા.પિયત મંડળીની સ્થાપના થી ગામ લોકો માટે નહેરો નો ઉપયોગ કરવાનું  સરળ તેમજ લાભપ્રદ બન્યુ તેમજ ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યુ. ત્યારબાદ અમે ગામની દૂધ મંડળી અને સેવા સહકારી મંડળીની પણ મુલાકાત લીધી.૧૯૭૬ થી તે આજ સુધી ગામની દૂધ મંડળીમાં  ચુંટણી થઈ નથી તે જાણી વિશેષ આનંદ  થયો.

Sugar Farm & canal ,Kudsad

Sugar Farm & canal ,Kudsad

પિયત મંડળીનો સંપૂણ વહિવટ ગામના યુવાનો ધ્વારા સંભાળવામાં  આવે છે.કુડસદ ગામ માં  રનછોડરાય નું  ભવ્ય મંદિર  આવેલ છે જે નવનિતભાઈ ના જણાવ્યા અનુસાર મીની ડાકોર તરીકે ઓળખાય છે,અમે પણ આ ભવ્ય મંદિર ના દર્શન કરી ધન્યતા અનુભવી અમારો આગળનો પડાવ શેરડીના ખેતરો જોવા નો હતો.નવનીતભાઈ ની લગભગ ૯૦ વિઘા જમીન માં  શેરડીનું  વાવેતર કરવામાં  આવેલ છે,ગામ માં  આમ તો મોટે ભાગે શેરડીનું  વાવેતર કરવામાં  આવે છે,પણ ક્યાંક ક્યાંક અમને તુવેર, ઘઉં વગેરે પાકો પણ જોવા મળ્યા,શેરડી લાયક કાળી જમીન અને પુષ્કળ પાણી ની નહેરો ધ્વારા સુવિધા ઉપલબ્ધ હોવાથી સર્વત્ર શેરડીના પાકો લહેરાતા જોઈ શકાતા હતા.

with Navnitbhai

with Navnitbhai

ગામ થી ઘણી દૂર નવનિતભાઈ અમને તેમના શેરડીના ખેતર જોવા લઈ ગયા અને શેરડી ની વિવિધ જાતો વિશે સમજ આપી.શેરડી માં  પણ અનેક જાતની શેરડી આવે છે તથા શેરડીમાં  પણ રોગ આવતો હોવાથી ઘણી વાર ખેડૂતોને મોટુ નુકશાન વેઠવુ પડતુ હોય છે.વિશાળ જગ્યા માં  પથરાયેલ નવનિતભાઈના ખેતર અને લહેરાતી શેરડીના પાકો અને સાથે દરેક ખેતરને સાંકળતી નહેરો જોઈને કુદરત ના ખોળે મન પુલકિત થઈ ઉઠ્યુ.ચાલી ચાલી અને અમે તો થાકી ગયા,ત્યારે નવનિતભાઈએ અમને એક ઉચ્ચ જાતની શેરડીના ખેતર માં  લઈ ગયા અને શેરડી કાપીને ટેસ્ટ કરવા આપી..આહા શુ સ્વાદ હતો એ શેરડીમાં  સાથે અમને અમુક શેરડીના સાંઠા પણ બાંધી આપ્યા. નવનિતભાઈના જણાવ્યા અનુસાર દર વર્ષે થી નવેમ્બર મહિનામાં  શેરડીનું  વાવેતર કરવામાં  આવે છે અને ઓક્ટોબર મહિનામાં  તેનું  કટિગ કરવામાં  આવે છે.શેરડી કાપવા માટે સુગરમીલના મજુરો આવે છે.નવનિતભાઈના જણાવ્યા અનુસાર હજુ પણ ખેડૂતોને શેરડીના પુરતા ભાવ મળતા નથી,આમ શેરડીની ખેતી નો સ્વાનુભવ લઈ અમે પરત કુડસદ ગામ માં  નવનિતભાઈના ઘરે આવી હાથ-પગ ધોઈ ફ્રેશ થઈ ઠંડુ પી અમારે ઉતાવળ હોવાથી કુડસદ ગામ થી વિશેષ અનુભવ અને જાણકારી મેળવી વિદાય લીધી.

Land Leveling  With using of  laser Software Techanology

Land Leveling With using of laser Software Techanology

રસ્તા મા  બે નવીન બાબતો જોવા અને જાણવા મળી એક તો જમીન નું  સમાંતર લેવલીંગ કરવા માટેનું  લેસર સોફ્ટવેર ટેકનોલોજી મશીન જે કુડસદ અને આસપાસના ખેડૂતો પોતાની જમીન લેવેલીંગ માટે આ ટેકનોલોજી નો ઉપયોગ કરે છે તે અમે નજરે જોયુ અને જાણ્યુ .એકદમ પર્ફેક્ટ રીજલ્ટ આપતુ આ સોફ્ટ્વેર ગજબનું  કામ કરી રહ્યુ હતુ.ખાસ કરીને શેરડીની જમીન સમાંતર હોવી જોઈએ જેથી કરીને પાણી સરળતાથી દરેક જગ્યાએ પહોંચી શકે,ખાડો હોય તો શેરડી થાય નહી. વિજ્ઞાન અને ટેકનોલોજી નો ખેતીમાં  ઉપયોગનો એક વધુ પ્રયોગ આ લેસર ટેકનોલોજી થી જમીન લેવલીંગ નો જોવા અને જાણવા મળ્યો.

Land Level Laser software Techanology

Land Level Laser software Techanology

અમે આ લેસર સોફ્ટવેર થકી જમીન લેવલીંગ નો ભાવ પૂછ્યો તો જાણવા મળ્યુ કે કલાકના રૂ.૬૦૦/-ના દરે કામ થાય છે.ત્યાંથી અમે આગળ વધ્યા અને હવે નવનીતભાઈ અમને તાપી નદી માંથી આવતી મુખ્ય નહેર જોવા લઈ ગયા,જ્યાંથી અનેક નહેરો કુડસદ અને આસ્પાસના ગામો માં  પહોંચે છે,મુખ્ય નહેર જોઈને અમે તો છક્ક થઈ ગયા,લાગે કે જાણે કોઈ કાશ્મીરના ભાગમાં  આવી ગયા છીએ એવુ સુંદર અને નયોરમ્ય કુદરતી દ્રશ્ય જોવા મળ્યુ,વિચાર આવ્યો અમારા વડગામ તાલુકામાં  આવી વ્યવ્સ્થા ક્યારે થશે? મુખ્ય નહેરની જગ્યાએ શાંતિ થી થોડો સમય બેઠા.

Hari Om Ashram-Surat

Hari Om Ashram-Surat

હવે નવનિતભાઈ અમને સુરતમાં  આવેલ શ્રી મોટાના આશ્રમની મુલાકાતે લઈ જઈ રહ્યા હતા.મુસાફરી દરમિયાન નવનિતભાઈ અમને સતત વિવિધ બબતો થી માહિતગાર કરતા રહેતા હતા.શ્રી મોટાના આશ્રમ માં  પહોંચ્યા તો જાણે સ્વર્ગ માં  આવી ગયા હોઈએ તેવો ભાસ થયો.નીરવ શાંતિ વચ્ચે સ્થિત શ્રી મોટાના આશ્રમમાં  કુદરતી માહોલ જોવા મળી રહ્યો હતો,

Tapi River-Surat

Tapi River-Surat

પાસેથી તાપી નદી શાંત ચિત્તે વહેતી હતી,આ તાપી નદીને જોઈને મને સુરતની પુર હોનારત યાદ આવી ગઈ અને મનમાં  વિચાર આવ્યો કે શાંત જણાતી તાપી નદી સમય આવે કેવુ રોદ્ર સ્વરૂપ પણ ધારણ કરી શકે.જો કે હાલ માં  તો સરકાર ધ્વારા પુર રક્ષક મોટી દિવાલો બનાવવવામાં  આવી છે,જેથી પાણીને શહેરમાં  આવતુ રોકી શકાય.

Hari Om Ahram-Surat

Hari Om Ahram-Surat

શ્રી મોટાના આશ્રમ માં  મૌન ને  વિશેષ મહત્વ આપવામાં  આવે છે.અને તેથી મૌન મંદિરો ની સ્થાપના શ્રી મોટા ધ્વારા કરવામાં  આવી છે.આવા મૌન મંદિરો અમે શ્રી મોટાના આશ્રમ માં  જોયા જ્યા વ્યક્તી ૧ થી માંડીને ૭ દિવસ સુધી એકલો એકાંતમાં  આવી ઓરડીમાં  રહી ઇશ્વર સ્મરણ કરી શકે છે.શ્રી મોટા ધાર્મિક ક્રિયાકાંડો માં  ઓછુ માનતા તેઓ એ પોતાને મળેલ દાન ની રકમો શિક્ષણ અને રીસર્ચ  પાછળ પુષ્કળ પ્રમાણ માં  ફાળવી છે.શ્રી મોટાના આશ્રમ માં  ધ્યાન કરી શકાય તેવા ખંડો અને એકાંત માં  વાચન કરી શકાય તેવી સવલતો જોવા મળી.આપણને ઇચ્છા જ થઈ જાય કે કલાક બે કલાક અહી બેસીએ.મને તો લાગે છે કે દરેક ગામ માં  અને શહેરો માં  આવી સગવડ હોવી જોઈએ જ્યા કોઈ પણ વ્યક્તી કોઈ પણ ખલેલ વગર શાંત ચિત્તે પ્રભુ સ્મરણ કરી શકે,ધ્યાન ધરી શકે,અને વાંચન કરી શકે,આજના ધમાલ ભર્યા જીવન માં  આવા સ્થળો માનવજાતને ઉપકારક સાબીત થઈ શકે તે કદાચ વર્ષો પહેલા પૂજ્ય શ્રી મોટા જાણી ગયા હશે…આશ્રમ  માં  ચા-નાસ્તો કરી પૂજ્ય શ્રી મોટાના દર્શન કરી અમે શ્રી મોટા ધ્વારા લખાયેલા પુસ્તકો ખરીદ્યા.આવા સંત પુરુષ પ્રત્યે અને તેમના સમાજ ઉપયોગી કાર્યો વિશે જાણી જીવન માં  શાનું  મહત્વ હોવુ જોઈએ અને શુ કરવુ જોઈએ તે જાણ્યુ અને નતમસ્તકે આ મહામાનવને પ્રણામ કરી આશ્રમની વિદાય લીધી.સુરત ને ઘમરોળતા નવનીતભાઈ અમને પોતાની ગાડીમાં  સુરત શહેરની પરીક્રમાં  કરાવી અમારે ઉતારે છોડવા આવ્યા ત્યારે સાંજના ૪ વાગી ચુક્યા હતા.થાક તો એવો લાગ્યો હતો કે ના પૂછો વાત હજી સુરતના બે મહાનુભાવોને મળવાનું  હતુ.સમય બહુ ઓછો હતો રાત્રે ૧૧ વાગે પાલનપુર જવા બસ પકડવાની હતી.થયુ ચાલો ઉતારે જઈ ફ્રેશ થઈ થોડો આરામ કરી પછી બાકી રહી ગયેલ મહાનુભાવોની મુલાકાત લઈએ.ત્યાતો ઉતારે બચપણના મિત્ર ભરતભાઈ રાહ જોઈને બેઠા હતા.તેઓ પણ એક લગ્ન માં  હોવાથી તથા લગ્ન મંડપ ની જવાબદારી હોવાથી વ્યસ્ત હતા છંતા અમને તેમના ઘરે ચા-પાણી કરવા લેવા આવ્યા હતા,તેમને ઘણી ના પાડી અને કહ્યુ કે ભાઈ અમે થાકી ગયા છીએ ફરી કોઈ વખત આપના ઘરની મુલાકાત લઈશુ પણ માને તો ભરતભાઈ શાના ? ઝગડો કર્યો અને અંતે અમને તેમના ઘરે લઈ જઈને ઝપ્યા.ત્યાંથી ચા-પાણી કરીને ભરતભાઈ ને અને તેમના કુટુંબને લગ્ન પ્રસંગ માં  જવાનું  હોવાથી તેમને વિદાય કરી અમે તે વિસ્તારમાં  જ રહેતા વડગામના બાબુભાઈને ઘરે જવા નીકળ્યા,અમારા આવવાના સમાચાર થી બાબુભાઈ હિરાની ઓફીસથી વહેલા થકા આવી ગયા અને અમને તેમના ઘરે લઈ ગયા,અમને એમ કે ચા પી ને સમાચાર લઈને નીકળી જાશુ જે થી બજાર માં  થોડા રહેલા સમયમાં  ખરીદી કરી શકાય,ત્યા તો એક મિત્ર લવજીભાઈ નકરાણીનો ફોન આવ્યો કે નિતિનભાઈ હુ ઘરે તમારી રાહ જોઈને બેઠો છુ,જમવાનું  આપણા ત્યા છે,પણ બાબુભાઈ ના પત્નિ બબીબેને અમારા માટે ઇડલીનો સરસ નાસ્તો તૈયાર કરી નાખ્યો હતો અને અમને ખબર પણ ના પડે તેમ શીરો પણ બનાવી નાખ્યો આમ અમને ભરપુર જમાડ્યા,સામાજિક રીત-રીવાજ મુજબ પેંટ પીસ ઓઢાડ્યા અને વાતો કરી ત્યા સુધી રાતના આઠ વાગી ચુક્યા હતા અને હવે અમારી પાસે માત્ર ત્રણેક કલાક જેટલો ઓછો સમય હતો,એટલે બાબુભાઈની ખુબ જ મનવર છંતા અમે ત્યાંથી વિદાય લઈ ઉતારે પહોચ્યા,ફ્રેશ થઈ તૈયાર થઈ ગયા.સુરતની ખુબ જ વખણાતી ઘારી અને સુત્તરફેણી ખરીદવાની તો હજી બાકી હતી. ઝટપટ તૈયાર થઈ સુરતની પ્રખ્યાત મોહન મીઠાઈની દુકાને પહોંચી ગયા અને સુરતની યાદગીરી રૂપે વાનગીઓ ખરીદી પેક કરી અને રાત્રે ૧૦.૪૫ વાગે પાલનપુર જવા માન ટ્રાવેલની બસ ની રાહ જોઈને સુરતના ઉનાપાણી રોડ ઉપર ઉભા હતા ત્યારે સુરતની ૪૮ કલાલની સફર મનમાં  ફરી રહી હતી અને મનોમન વિચારી રહ્યો હતો બે દિવસની તે સુરતની મુલાકાત કરાતી હશે ? આવુ શહેર,આવા લોકો વચ્ચે નિરાંતે સમય લઈને આવવુ પડે,પણ અમારી પણ મજબૂરી હતી રવિવારે સવારે કુટુંબમાં  એક લગ્ન-પ્રસંગ માં  હાજરી આપવાની હતી.સુરત માં  ગાળેલ ૪૮ કલાક દરમિયાન પુરતી ઉંઘ અને આરામ ના લિધો હોવા છંતા આ શહેર માં  આ શહેરના લોકોમાં  એવુ કઈંક હતુ જે અમને ઠંડી હવાની જેમ તરોતાજા બનાવી દેતુ હતુ.રાત્રે જ્યારે ૧૧-૦૦ કલાકે માન ટ્રાવેલ્સની અમારી બસ સુરતથી ઉપડી ત્યારે સુરતના સબંધીઓને,મિત્રોને અને આ શહેરને સલામ કરી,અનુભવનું  એક ભાથુ બાંધી અમે વડગામ પહોચવાની ચિંતામાં  બસમાં  સુઈ ગયા.

અંતે ફરી ફરીને મુલાકાત લેવાનું  મન થાય તેવી ધરતી વિશે કહી શકાય કે

“આહ સુરત ! વાહ સુરત ! તારી સાથે ગુજારેલ હરએક પળ ખૂબસુરત”…….:)))

Categories: મુલાકાત | 7 ટિપ્પણીઓ

પુસ્તક વિમોચન અને મુશાયરાના કાર્યક્રમમાં….

અત્તરની નગરી તરીકે નામના ધરાવનાર પાલનપુર નગર “પાલનપુરી” શબ્દ થી પણ પ્રખ્યાત છે અને આ પાલનપુરી શબ્દે પાલનપુરને વૈશ્વિક લેવલે નવી ઓળખ આપી છે ઉમદા શેરો,શાયરી અને ગઝલ ના રચિયતા  જેવા કે શૂન્ય પાલનપુરી,સૈફ પાલનપુરી,ઓજસ પાલનપુરી,મુસાફિર પાલનપુરીએ પાલનપુરને પોતાની પ્રતિભા થકી નવી ઓળખ આપી છે. ..અને હા તા.૩૧.૦૧.૨૦૧૨  ના રોજ આમાના જ એક ઉમદા શેરો,શાયરી અને ગઝલ ના રચિયતા શ્રી મુસાફિરભાઈ પાલનપુરી રચિત ચુનંદા  શેરો નું  પુસ્તક “ એક તાજુ ગુલાબ” પુસ્તકના વિમોચન પ્રસંગે હાજર રહેવાનુ બન્યુ અને એક અલગ જ અનુભવ પ્રાપ્તિ અને જાણકારી પાલનપુરી વિશે અને પાલનપુરના ઇતિહાસ વિશે જાણવા મળી.

ખીચોખીચ ભરેલ પાલનપુરના કાનુભાઈ મહેતા સભાખંડ માં  અન્ય શેરો શાયરીના રસિક શ્રોતાઓ સાથે તાજા ગુલાબ આપીને કરેલ  સ્વાગત બાદ અમે પણ સભાખંડ માં  ગોઠવાયા અને કાર્યક્રમની શરૂઆત ગણમાન્ય લોકોની હાજરી માં થઈ.  પોઝિટીવ પબ્લિકેશન-ક્લાસિક ડીઝાઈન  ગ્રુપ ધ્વારા પ્રકાશિત મુસાફિરભાઈ પાલનપુરીના આ પુસ્તકનું  વિમોચન સુપ્રસિધ્ધ શાયર ખલીલ ધનતેજસ્વીના હસ્તે બનાસકાંઠા સમાહર્તા શ્રી વોરા સાહેબ,ડી.ડી.ઓ શ્રી ભટ્ટ સાહેબ, પોઝિટીવ પબ્લિકેશનના શ્રી નાગેશ જોષી,પાલનપુરના જાણીતા કવિ અને પ્રો. એ.ટી.સિંધી “મૌલિક”,કિશોર પટેલ,ભાવેશ ભટ્ટ, કૃષ્ણ  દવે,નજીર પાલનપુરી અને પાલનપુરની કલાપ્રેમી શ્રોતાઓની વિશાળ ઉપસ્થિતિ વચ્ચે કરાતા સમગ્ર ભવન તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યુ હતુ. કલેક્ટર તેમજ ડિ.ડિ.ઓ સાહેબે બહુ જ સરસ રીતે આજ ના પ્રસંગ વિશે પ્રારંભિક વક્તવ્ય આપ્યુ હતુ.અને મુસાફિર પાલનપુરી અને પોઝિટીવ પબ્લિકેશન ના શ્રી નાગેશભાઈ જોષીના પ્રયત્નોને બિરદાવ્યા હતા.મુસાફિરભાઈ એ આધુનિક ટેકનોલોજીના ઉપયોગ દ્વારા પોતાના પુસ્તક વિશે પ્રેજંટેશન આપતા અમુક શેરો વિશે ઉપસ્થિત શ્રોતાગણને માહિતી આપી હતી અને ત્યાર બાદ ઇંટરવલ બાદ ખરી શેરો,શાયરી અને ગજલોની રંગત જામતા ઉપસ્થિત સૌ શ્રોતાગણ શાયરોની રજૂઆત પર આફરિન થઈ ગયા હતા.

અમદાવાદના શાયર ભાવેશ ભટ્ટે પોતાની રચનાઓ …

એક મુંગી ચીસ પડઘાતી રહી,રાત આખી રાત ગભરાતી રહી,વેશ બદલી રોજ આવે દુર્દશા,રોજ રંગે હાથ પકડાતી રહી…

અને જે વ્રુક્ષની નીચે ધમધોકાર ચાની કિટલી ચાલતી હતી,એ વ્રુક્ષને રોજ એવો પ્રશ્ન થતો કટિંગ એટલે શુ.?

વાસંલડી.ડોટ.કોમ ના શ્રી ક્રુષ્ણ દવેની રચનાઓ…

‘કોઈ ઉગાડે એમ કદી ઉગવાનુ નહી,આપણે તો આવળને બાવળની જાત,ઉગવાનુ હોય ત્યારે પૂછવાનુ નહી અને માઈક મળે તો કોઈ છોડે વગેરે રચનાઓ સંભળાવી હતી..

ખલીલ ધનતેજસ્વીએ “વાત મારી જેને સમજાતી નથી,એ ગમેતે હોય ગુજરાતી નથી..

ગામ આખામાં હુ વખણાતો રહુ,મારા ફળિયામાં વગોવાતુ રહું…તારુ હસવુ એ તારી આદત હતી,હુ અમસ્તો મનમા મુંઝાતો રહ્યો,અમે અમારી રીત પ્રમાણે રાતોને અજવાળી છે…તમે ઘરે દિવો સળગાવ્યો અમે જાતને બાળી છે…વગેરે રચનાઓ સંભળાવી..

મુસાફીર પાલનપુરીએ મુશાયરાનું સુંદર સંચાલન આગવી ઢબમાં કરતા પ્રખ્યાત શાયરોના શેરો વચ્ચે વચ્ચે રજુ કરી શ્રોતાઓની દાદ મેળવી હતી.

મુસાફિરભાઈ પાલનપુરીએ પોતાની રચાનાની રજુઆત કરતા જણાવ્યુ કે ‘પ્રથમ પ્રથમનો પરિચય ,સહજ સહજ નો લગાવ ,પ્રગાઢ પ્રિત બની જાયને ખબર ન પડે,કદાચ એ જ દશાને કહે છે પ્રેમ ,હદયને કોઈ ગમી જાયને ખબર ન પડે

કાર્યક્રમની શરૂઆત નિર્ધારિત સમય કરતા મોડી થઈ હતી આથી કાર્યક્રમ રાત્રે ૮.૦૦થી લઈને ૧૨ વાગ્યા સુધી ઉપસ્થિત શેરો,શાયરીના રસિક શ્રોતાઓ મંત્રમુગ્ધ થઈને રચનાકારો ની રજુઆતને દાદ આપી રહ્યા હતા,દરમિયાન આમંત્રિત શાયરોએ પાલનપુરના શ્રોતાઓના વખાણ કરતા જણાવ્યુ કે પાલનપુરના લોકો સમજુ અને કલાને કદર કરનારા છે અને તેથી જ તો કોઈ નગરમા ના યોજાતા હોય તેવા કાર્યક્રમો પાલનપુરની ધરતી પર યોજાતા રહે છે.

જીવનમા ખરેખર યાદ રહી જાય તેવા પુસ્તક વિમોચન અને મુશાયરાના કાર્યક્રમની મુલાકાત જીવન નું એક યાદગાર સંભારણુ બની ગયુ.

પુસ્તક વિમોચન કાર્યક્રમનું સંચાલન મુકેશ રાવલ દ્વારા કરવામા આવ્યુ.

અંતે અમે પણ મુસાફિરભાઈ પાલનપુરીના પુસ્તક “એક તાજુ ગુલાબ” ડિસ્કાઉંટ ભાવે ખરીદ કરી એક સફળ કાર્યક્રમની મુલાકાત લઈ કાનુભાઈ મહેતા હોલ થી વિદાય લિધી.

Categories: મુલાકાત | 1 ટીકા

Create a free website or blog at WordPress.com.