Posts Tagged With: બહુચરાજી-શંખેશ્વર-મરતોલી દર્શનાર્થે…….

બહુચરાજી-શંખેશ્વર-મરતોલી દર્શનાર્થે…….

શ્રી બહુચરાજી મંદિર...બહુચરાજી.

શ્રી બહુચરાજી મંદિર…બહુચરાજી.

Click Here for Photo Album

www.vadgam.com

વૈશાખ સુદ પાંચમ નો શુભ દિવસ અને આ દિવસે મારા મિત્ર  તરફ થી તેમના પુત્ર ની બાબરીના પ્રસંગે ઉપસ્થિત રહેવાનું આમંત્રણ મળ્યુ અને જાણ્યુ કે બાબરી ની વિધી ગુજરાત ના પ્રસિધ્ધ શક્તિપીઠ બહુચરાજી મુકામે રાખી છે અને મિત્ર રમેશ ચૌધરી સાથે ફેમીલી સાથે પ્રવાસના આયોજનનું બહાનું મળી ગયુ અને ધાર્મિક પ્રવાસ નુ આયોજન થયું. તા.૨૬.૦૪.૨૦૧૨ને સવારે  અમે વડગામથી બહુચરાજી જવા નીકળ્યા.

મહેસાણા જિલ્લાનું બહુચરાજી એ ભારતની પ્રાચીન શક્તિપીઠોમાંનું એક છે.એનો ઇતિહાસ જોઈએ તો શક સંવત ૧૭૦૫,વિક્રમ સંવત ૧૮૩૯ વૈશાખ વદ ૧૦ ને રવિવારના રોજ શ્રી બહુચરાજી માતાની ઇચ્છાથી ગાયકવાડ રાજા શ્રી શ્રીમંત દામસિંહના પુત્ર અને શ્રી ફત્તેસિંહરાવના નાના ભાઈ શ્રીંમત માનાજીરાવ ગાયકવાડે એક નવું મંદિર બંધાવ્યું.મંદિરનું કામ આસો સુદ ૧૦ને રવિવારે પૂર્ણ થયું હતુ.શ્રીમંત સરકાર માનાજીરાવ ગાયકવાડ કડી પ્રાંતના સૂબા તરીકે કડીમાં જ રહેતા હતા.ચુંવાળમા એ વખતે ચોર-લૂટારાઓનો ત્રાસ હતો.આથી શ્રીમંત માનાજીરાવ ચોર-લૂટારાઓની શોધમાં પ્રવાસ કરતાં શ્રી બહુચરાજી માતાજીના વરખડીવાળા સ્થાને સંવત ૧૮૩૭ (ઇ.સ.૧૭૮૧)માં આવી પહોંચ્યા.એ વખતે આ સ્થળ અપ્રસિધ્ધ અને ગુપ્ત હતું.અહીં તે વિશ્રામ લેવા રોકાયા.તેમને પાઠાનું દર્દ હતું અને તેની ખૂબ જ પીડા થતી હતી.ઘણી દવાઓ કરવા છતાં આ રોગ મટતો ન હતો.આ બાબતે દેરીના પૂજારી સાથે વાત-વાત માં પૂજારીએ તેમને શ્રી માતાજીની બાધા રાખવાનું જણાવ્યું અને અહીંની ચમત્કારિક તલાવડીની માટી શ્રી માતાજીનું સ્મરણ કરી લગાડવનું કહ્યું.શ્રીમંતે તેમ કરતા તેમનું પાઠાનું અસહ્ય દર્દ ફક્ત આઠ દિવસમાં જડમૂળમાંથી મટી ગયુ.આથી શ્રીમંતને શ્રી માતાજી પર શ્રધા બેઠી અને તેમણે શ્રી બહુચર માની નમ્રભાવથી સ્તુતિ કરીને કહ્યું. “હે માતાજી ! મને જો વડોદરાનું રાજ્ય મળશે તો તમારૂ નવું મોટું મંદિર બંધાવીશ.” આ ઘટના પછી થોડા જ સમયમાં શ્રીમંત માનાજીરાવ ને વડોદરાનું રાજ્ય મળ્યુ,એટલે તેઓશ્રી માતાજીના દર્શને પધાર્યા,અને મોટા દેવસ્થાનની રચના માટે માની આજ્ઞા  માંગી .શ્રી માતાજીની આજ્ઞા  મળતા તેમણે હાલનું મોટું મંદિર બંધાવવા માંડ્યુ.આ મંદિર નિર્માણ સવંત ૧૮૩૯,સન ૧૭૮૩ માં પૂર્ણ થયું.મંદિર સાથે તેમણે ફરતો ચાર બૂરજ અને ત્રણ દરવાજા વાળો કિલ્લો,દીપમાળ,માનસરોવર તથા ધર્મશાળા વગેરે પણ બંધાવ્યા.અહીં એક સ્વાનુભવની વાત કરુ તો ભૂતકાળમાં મને પણ મા બહુચર ના પરચાનો અનુભવ થેયેલો વાત જાણે કે એમ બનેલી કે મારો પુત્ર ધવલ જ્યારે નાનો હતો ત્યારે બોલવામાં એની જીભ અટકતી હતી…વાતા સાંભળેલી કે મા બહુચર ના કુકડાની બાધા રાખવાથી આમાં સારુ થઈ જાય છે..એ વખતે હું આ વાત માનવા તૈયાર ન હતો..ઘણી દવાઓ કરાવેલી પણ કોઈ ફરક ના પડેલો..ત્યારે અંતે હારી થાકીને મા ના કુકડાની બાધા રાખેલી અને મારા આશ્ચર્ય  વચ્ચે ધવલને થોડા જ દિવસોમાં જીભ અટકતી બંધ થઈ ગઈ અને તેને તદ્દન સારું થઈ ગયુ… મા બહુચરના સ્થાનકે હજારો યાત્રાળુઓ દૂરદૂરથી દર્શનાર્થે તથા બાધા-માનતા અર્થે આવે છે,તે મુજબ અમને પણ અસંખ્ય માણસોનો જમાવડો આ સ્થળે જોવા મળ્યો કે જેઓ પોતાની માનતા પુરી કરવા દરરોજ મા બહુચર ના દર્શને આવે છે અને પોતાની માનતા પુરી કરી મા બહુચરના દર્શન કરી ધન્યતા અનુભવે છે.વિશાળ પટાગંણ માં મા બહુચરના નવિન મંદિરનું કામકાજ હજી ચાલી રહ્યુ હતુ.બહુ જ સુંદર રીતે મંદિર શોભી રહ્યુ હતુ. મા અંબાજીની જેમ બહુચરમાનું સ્થાનક પણ મને હમેંશા દેવી શક્તી નો જીવતો જાગતો પુરાવો હોય તેવો અહેસાસ કરાવતુ રહ્યુ છે,અને હોય જ કારણ કે આ તો જાત અનુભવની વાત છે અને અનુભવ્યુ છે…ભારતભરમાં અમુક સ્થળો ખરેખર અલૌકીક છે અને જાગ્રત છે તેનો અહેસાસ મને આ બે સ્થળોના દર્શન કરીને લાગ્યા કર્યુ છે…જે વ્યક્તી ને પુરી શ્રધ્ધા હોય તેને દેવી શક્તિ તેની હર મનોકામના પૂર્ણ કરે છે તેમા શંકાને કોઈ સ્થાન નથી….શ્રી માતાજીમાં શ્રધા ધરાવતા યાત્રિકો સંતાન પ્રાપ્તિ માટે,સંતાનો ના સ્વાસ્થય માટે ,આંખના દર્દ તથા ફુલાં માટે બોબડા અથવા તોતડાપણા માટે બહેરાપણા માટે હાથપગની ખોડખાંપણ માટે માતાજીની બાધા-આખડી રાખે છે.અને મનવાંચ્છિત ફળ પ્રાપ્ત કરે છે. માના દર્શન કરી ધન્યતા અનુભવી અને અમે ફેમીલી સાથે મિત્ર  ધ્વારા આયોજિત બાબરી પ્રસંગે ભોજન લેવા બહુચરાજી મા જ આવેલ ઉમિયા વાડીમાં પહોંચ્યા અને ભાવથી સુંદર ભોજન જેમા લાડુ,કેરી રસ,પુરી,શાક,ગોટા,પાપડ,દાળ-ભાત ઉપસ્થિત મહેમાનો સાથે જમ્યા અમને મિત્રના માતાશ્રી એ પુરા ભાવથી ભોજન જમાડ્યુ અને માતાનો પ્રેમ શુ હોય તેની પ્રતિતી કરાવી.

શંખેશ્વર તિર્થ

શંખેશ્વર તિર્થ

બહુચરાજી થી શંખેશ્વર જવાનો રસ્તો..

બહુચરાજી થી શંખેશ્વર જવાનો રસ્તો..

મિત્રના પુત્રને બાબરી પ્રસંગમા હાજરી પુરાવી અમે બહુચરાજીથી ૧ થી ૨ કિ.મી આવેલ શંખેશ્વર તિર્થ ના દર્શનાર્થે જવા નિકળ્યા..ભોજન ભરપેટ જમ્યા હોવાથી તથા ગરમીનો સમય હોવાથી થોડી અકળામણ થતી હતી પણ શંખેશ્વર જતા રસ્તા માં બન્ને બાજુ હારબંધ રીતે ઉભેલા લિમડાઓના ઝાડ   અનોખી ઠડંક આપી રહ્યા હતા..બહુ જ સુંદર દ્રશ્ય લાગી રહ્યુ હતુ અને ઉનાળાની ઋતુ માં તો ખાસ…મન માં થયું કે દરેક જગ્યાએ આ રીતે વ્રુક્ષો ઉછેરવામાં આવે તો કેટલુ સરસ કામ થઈ શકે….મન માં વિચાર આવ્યો વતન વડગામ માં આવી વ્યવ્સ્થા થાય તો ? કુદરતી ઠંડકમા અમે શંખેશ્વર પહોંચી ગયા…ભવ્ય મંદિર અને વિશાળ જગ્યા જોઈ મન આનંદિત થઈ ઉઠ્યુ.શંખેશ્વર એટલે શંખલપુર બહુચરાજી  “ટોડા માતા” નામે પણ ઓળખાય છે..તેનો ઇતિહાસ જોઈએ તો ગુજરાત ના છેલ્લા રજપૂત રાજા કરણ ઘેલાના રાજ્ય અમલમાં (સવંત ૧૨૯૬ થી સવંત ૧૩૫૨ના સમયમાં) તેની માસીના દીકરા હરપાળ કચ્છ માંથી આવેલા.તે શ્રી શક્તિના ઉપાસક હતા.એક ખાસ પ્રસંગે કરણઘેલાએ ખુશ થઈ જણાવ્યું કે એક રાત્રિમાં જેટલા ગામોને તમે તોરણો બાંધશો તેટલા ગામો તમને ભેટ આપીશ,આ સાંભળી હરપાળે શ્રી જગદંબાની ક્રુપાથી બે હજાર ગામોને તોરણો બાંધ્યા.તેમણે પોતાને મળેલા આ ગામોમાંથી કરણ ઘેલાની રાણીને બહેન ગણી પાંચસો ગામ પસલીમાં ભેટ આપ્યા.આ પાંચસો ગામોમાનું એક ગામ શંખલપુર હતું. આ તોરણોનું અંપભ્રશ  રૂપ તોડા (ટોડા) માતા શંખલપુર નામે પ્રસિધ્ધ થયું…. શંખલપુર ની મુલાકાત માં  સમય અનુકુળ ન હતો બપોરે ૧.૩૦ વાગે ગરમીના લીધે જોઈએ તેવી મજા ન આવી પણ દર્શન કરી અમે પરત મરતોલી જવા નીકળ્યા.

શ્રી ચેહર માતાજી મંદિર - મરતોલી

શ્રી ચેહર માતાજી મંદિર – મરતોલી

મરતોલી ચેહરમાના ધામ તરીકે નામ ઘણા સમયથી સાંભળતો હતો અને ઘણા લોકો વડગામથી બાધા માનતા પુરી કરવા આ સ્થળે જાય છે તેમના મુખે ચેહરા માના પરચા વિશે સાંભળ્યુ હતુ પણ આજે જ્યારે આ સ્થળ ની  મુલાકાતે જઈ રહ્યા હતા ત્યારે વિશેષ આનંદ હતો.

ઓમ શ્રી હીં શ્રેષ્ઠ “ચેહર નમ: કરતાં જાપ અખંડ,

કોટી નમન ચેહર માત કો, શક્તિ સ્વરૂપ પ્રચડ.

જગત જનની મંગલ કરની ચેહર સુખ થાય,

પ્રણવો અંબિકા,સ્વધા,પુરન કામ.

મરતોલી મા આવેલ ચેહર માતાજી શ્રી કેશર માતાજી તરીકે પણ ઓળખાય છે…ધોમધખતા તાપમાં અમે મરતોલી પહોંચ્યા અને મંદિરમાં પ્રવેશ કર્યો ત્યારે અનેરી શાંતિનો અહેસાસ થયો…ચેહર માતાજીના દર્શન કરી મંદિર પટાંગણ મા માતાજી ના ઇતિહાસ વિશે જાણકારી મેળવવા ફરી રહ્યો હતો…ત્યાં મારી નજર ત્યાં ઉપસ્થિત ભુવાજી કાનજીભાઈ મહાદેવભાઈ દેસાઈ ઉપર પડી,મે તેમની પાસે જઈ પૂછ્યુ કે મારે આ મંદિરનો અને માતાજી વિશે નો ઇતિહાસ જોઈએ છે,તો તે અંગે કોઈ પુસ્તક વગેરે મળે ખરું,અથવા અન્ય કોઈ રીતે માહિતી મળે ખરી..મને હંમેશા આવા સ્થળો જ્યાં લોકોની વિશેષ શ્રધ્ધા હોય અને દૂર દૂર થી અનેક લોકો જ્યારે બાધા આખડી પુરી કરવા આવતા હોય…માતાજી તેમની મનોકામના પુરી કરતા હોય તેવા જાણીતા ધાર્મિક સ્થળોની માહિતી જાણવા નો રસ રહે છે….ભૂવાજીએ મને જણાવ્યુ કે એવી કોઈ મહિતી પ્રાપ્ત નથી અને જે કોઈ માહિતી પુસ્તકોમાં અને કેસેટો મા મળે છે એ અધકચરી માહિતી છે ,સાચી માહિતી નથી…ચેહર મા ના મંદિર વિશે કે ચેહરમા ના ઇતિહાસ વિશે આજ દિન સુધી કોઈને કશી ખબર નથી….મને બહુ નિરાશા થઈ કે આટલુ પ્રસિધ્ધ ધામ…આટલા બધા લોકો અતૂટ શ્રધાથી માના દર્શન કરે અને લોકોને ખબર પણ ના હોય કે માનો મહિમા આટલો બધો કેમ છે અથવા તો આ મંદિર પાછળનો ઇતિહાસ શું છે. મે ભૂવાજીને કહ્યું કે આપ આ મંદિર ની જાણકારી વિશે એના ઇતિહાસ વિશે એક પુસ્તક બહાર પડાવો જેથી કરીને લોકોને મંદિરના ઇતિહાસ વિશે , મા ચેહરના પરચા વિશે ખ્યાલ આવે….ભૂવાજીનો જવાબ હતો માતાજી આવું પુસ્તક છપાવવાની પરવાનગી આપતા નથી…મે ભૂવાજીને નમન કરી ત્યાંથી વિદાય લીધી…મન માં થયું દરેક ઐતિહાસિક અને પ્રસિધ્ધ જગ્યાએ જે તે જગ્યા ના ઇતિહાસની જાણકારી દર્શાવતી માહિતી મુકવામાં આવે તો દરેક દર્શનાર્થી ,મુલાકાતી તે જે જગ્યાએ દર્શને આવ્યો છે..મુલાકાતે આવ્યો છે તે સ્થળ વિશે સારી રીતે અવગત થઈ શકે…શ્રી ચેહર માતાજીના આદેશથી અને માતાજીની અસીમકૃપા થી અન્નક્ષેત્રનો શુભારંભ મહાસુદ- ૫ ને શનીવાર તા. ૩૧.૦૧.૨૦૦૯ માતાજીના પ્રાગટ્ય દીપ એવા વસંત પંચમીના શુભ દીને શ્રી કેસર ભવાની અન્નક્ષેત્ર,મરતોલી ગામે શુભ શરૂઆત કરવામાં આવેલ છે.

અંતે અમે સાંજે ૩.૩૦ કલાલે મરતોલી ગામની વિદાય લીધી અને મહેસાણા રહેતા મારા નાના ભાઈ મેહુલભાઈ ના ઘરે ચા-પાણી કરી અમારો બહુચરાજી-શંખેશ્વર-મરતોલી નો પ્રવાસ પૂર્ણ કરી વડગામ પરત ફર્યા.

આ ધાર્મિક પ્રવાસના વધુ ફોટોગ્રાફ્સ જોવા અહીં ક્લીક કરો

Categories: મુલાકાત | ટૅગ્સ: | Leave a comment

Blog at WordPress.com.