Monthly Archives: ફેબ્રુવારી 2012

પુસ્તક વિમોચન અને મુશાયરાના કાર્યક્રમમાં….

અત્તરની નગરી તરીકે નામના ધરાવનાર પાલનપુર નગર “પાલનપુરી” શબ્દ થી પણ પ્રખ્યાત છે અને આ પાલનપુરી શબ્દે પાલનપુરને વૈશ્વિક લેવલે નવી ઓળખ આપી છે ઉમદા શેરો,શાયરી અને ગઝલ ના રચિયતા  જેવા કે શૂન્ય પાલનપુરી,સૈફ પાલનપુરી,ઓજસ પાલનપુરી,મુસાફિર પાલનપુરીએ પાલનપુરને પોતાની પ્રતિભા થકી નવી ઓળખ આપી છે. ..અને હા તા.૩૧.૦૧.૨૦૧૨  ના રોજ આમાના જ એક ઉમદા શેરો,શાયરી અને ગઝલ ના રચિયતા શ્રી મુસાફિરભાઈ પાલનપુરી રચિત ચુનંદા  શેરો નું  પુસ્તક “ એક તાજુ ગુલાબ” પુસ્તકના વિમોચન પ્રસંગે હાજર રહેવાનુ બન્યુ અને એક અલગ જ અનુભવ પ્રાપ્તિ અને જાણકારી પાલનપુરી વિશે અને પાલનપુરના ઇતિહાસ વિશે જાણવા મળી.

ખીચોખીચ ભરેલ પાલનપુરના કાનુભાઈ મહેતા સભાખંડ માં  અન્ય શેરો શાયરીના રસિક શ્રોતાઓ સાથે તાજા ગુલાબ આપીને કરેલ  સ્વાગત બાદ અમે પણ સભાખંડ માં  ગોઠવાયા અને કાર્યક્રમની શરૂઆત ગણમાન્ય લોકોની હાજરી માં થઈ.  પોઝિટીવ પબ્લિકેશન-ક્લાસિક ડીઝાઈન  ગ્રુપ ધ્વારા પ્રકાશિત મુસાફિરભાઈ પાલનપુરીના આ પુસ્તકનું  વિમોચન સુપ્રસિધ્ધ શાયર ખલીલ ધનતેજસ્વીના હસ્તે બનાસકાંઠા સમાહર્તા શ્રી વોરા સાહેબ,ડી.ડી.ઓ શ્રી ભટ્ટ સાહેબ, પોઝિટીવ પબ્લિકેશનના શ્રી નાગેશ જોષી,પાલનપુરના જાણીતા કવિ અને પ્રો. એ.ટી.સિંધી “મૌલિક”,કિશોર પટેલ,ભાવેશ ભટ્ટ, કૃષ્ણ  દવે,નજીર પાલનપુરી અને પાલનપુરની કલાપ્રેમી શ્રોતાઓની વિશાળ ઉપસ્થિતિ વચ્ચે કરાતા સમગ્ર ભવન તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યુ હતુ. કલેક્ટર તેમજ ડિ.ડિ.ઓ સાહેબે બહુ જ સરસ રીતે આજ ના પ્રસંગ વિશે પ્રારંભિક વક્તવ્ય આપ્યુ હતુ.અને મુસાફિર પાલનપુરી અને પોઝિટીવ પબ્લિકેશન ના શ્રી નાગેશભાઈ જોષીના પ્રયત્નોને બિરદાવ્યા હતા.મુસાફિરભાઈ એ આધુનિક ટેકનોલોજીના ઉપયોગ દ્વારા પોતાના પુસ્તક વિશે પ્રેજંટેશન આપતા અમુક શેરો વિશે ઉપસ્થિત શ્રોતાગણને માહિતી આપી હતી અને ત્યાર બાદ ઇંટરવલ બાદ ખરી શેરો,શાયરી અને ગજલોની રંગત જામતા ઉપસ્થિત સૌ શ્રોતાગણ શાયરોની રજૂઆત પર આફરિન થઈ ગયા હતા.

અમદાવાદના શાયર ભાવેશ ભટ્ટે પોતાની રચનાઓ …

એક મુંગી ચીસ પડઘાતી રહી,રાત આખી રાત ગભરાતી રહી,વેશ બદલી રોજ આવે દુર્દશા,રોજ રંગે હાથ પકડાતી રહી…

અને જે વ્રુક્ષની નીચે ધમધોકાર ચાની કિટલી ચાલતી હતી,એ વ્રુક્ષને રોજ એવો પ્રશ્ન થતો કટિંગ એટલે શુ.?

વાસંલડી.ડોટ.કોમ ના શ્રી ક્રુષ્ણ દવેની રચનાઓ…

‘કોઈ ઉગાડે એમ કદી ઉગવાનુ નહી,આપણે તો આવળને બાવળની જાત,ઉગવાનુ હોય ત્યારે પૂછવાનુ નહી અને માઈક મળે તો કોઈ છોડે વગેરે રચનાઓ સંભળાવી હતી..

ખલીલ ધનતેજસ્વીએ “વાત મારી જેને સમજાતી નથી,એ ગમેતે હોય ગુજરાતી નથી..

ગામ આખામાં હુ વખણાતો રહુ,મારા ફળિયામાં વગોવાતુ રહું…તારુ હસવુ એ તારી આદત હતી,હુ અમસ્તો મનમા મુંઝાતો રહ્યો,અમે અમારી રીત પ્રમાણે રાતોને અજવાળી છે…તમે ઘરે દિવો સળગાવ્યો અમે જાતને બાળી છે…વગેરે રચનાઓ સંભળાવી..

મુસાફીર પાલનપુરીએ મુશાયરાનું સુંદર સંચાલન આગવી ઢબમાં કરતા પ્રખ્યાત શાયરોના શેરો વચ્ચે વચ્ચે રજુ કરી શ્રોતાઓની દાદ મેળવી હતી.

મુસાફિરભાઈ પાલનપુરીએ પોતાની રચાનાની રજુઆત કરતા જણાવ્યુ કે ‘પ્રથમ પ્રથમનો પરિચય ,સહજ સહજ નો લગાવ ,પ્રગાઢ પ્રિત બની જાયને ખબર ન પડે,કદાચ એ જ દશાને કહે છે પ્રેમ ,હદયને કોઈ ગમી જાયને ખબર ન પડે

કાર્યક્રમની શરૂઆત નિર્ધારિત સમય કરતા મોડી થઈ હતી આથી કાર્યક્રમ રાત્રે ૮.૦૦થી લઈને ૧૨ વાગ્યા સુધી ઉપસ્થિત શેરો,શાયરીના રસિક શ્રોતાઓ મંત્રમુગ્ધ થઈને રચનાકારો ની રજુઆતને દાદ આપી રહ્યા હતા,દરમિયાન આમંત્રિત શાયરોએ પાલનપુરના શ્રોતાઓના વખાણ કરતા જણાવ્યુ કે પાલનપુરના લોકો સમજુ અને કલાને કદર કરનારા છે અને તેથી જ તો કોઈ નગરમા ના યોજાતા હોય તેવા કાર્યક્રમો પાલનપુરની ધરતી પર યોજાતા રહે છે.

જીવનમા ખરેખર યાદ રહી જાય તેવા પુસ્તક વિમોચન અને મુશાયરાના કાર્યક્રમની મુલાકાત જીવન નું એક યાદગાર સંભારણુ બની ગયુ.

પુસ્તક વિમોચન કાર્યક્રમનું સંચાલન મુકેશ રાવલ દ્વારા કરવામા આવ્યુ.

અંતે અમે પણ મુસાફિરભાઈ પાલનપુરીના પુસ્તક “એક તાજુ ગુલાબ” ડિસ્કાઉંટ ભાવે ખરીદ કરી એક સફળ કાર્યક્રમની મુલાકાત લઈ કાનુભાઈ મહેતા હોલ થી વિદાય લિધી.

Categories: મુલાકાત | 1 ટીકા

Blog at WordPress.com.